Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ડીસા પાસે મિલકત મામલે ભાઈએ જ તેના મિત્રો સાથે મળી નાનાભાઈનું અપહરણ કરાવ્યું :પોલીસે તમામને ઝડપી લીધા

એક રિવોલ્વર એક તમંચો અને 19 જીવતા કારટીસ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠામાં  ડીસા પાસે મિલકત બાબતે ઝઘડો થતા ભાઈએ જ તેના મિત્રો સાથે મળી નાના ભાઈનું અપહરણ  કરી ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.  આ બનાવને પગલે પોલીસે તાત્કાલીક પગલા લેતા અપહરણ કરેલા ભાઈને છોડાવી અપહરણકારો ની અટકાયત કરી હતી તેમજ તેમની પાસેથી એક રિવોલ્વર એક તમંચો અને 19 જીવતા કારટીસ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડીસા પાસે રહેતા જયેશ સૈની અને તેના નાના ભાઈ વિપુલ સૈની વચ્ચે છેલ્લા ઘણા સમયથી મિલકત બાબતે બબાલ ચાલી રહી હતી. દરમિયાન ગઇકાલે મોડી સાંજે મિલકત ના વિવાદ મામલે જયેસે અન્ય ત્રણ શખ્સો સાથે મળી તેના સગા નાના ભાઈ વિપુલને બળજબરી પૂર્વક ગાડીમાં નાંખી અપહરણ કર્યું હતું

જેને  વડાવળ ના પાટીયા પાસે લઈ જઈ વિપુલ ને પાઇપ વડે ઢોર માર મારતાં ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને એલસીબી ની અલગ અલગ ટીમોએ નાકાબંધી કરી તપાસ શરૂ કરી હતી અને વડાવળ ગામના પાટિયા પાસેથી અપહરણ કરનારને ઝડપી પાડ્યો હતો.આ ઇજાગ્રસ્ત વિપુલ સૈનીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગાડીની તપાસ કરતા તેમાંથી એક પિસ્તોલ, એક તમંચો અને 19 જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. જેથી પોલીસે જયેશ સૈનિની અટકાયત કરી હતી અને પિસ્તોલ, તમંચો, કારટીસ અને કાર સહિત કુલ 5.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે અપહરણ અને આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

(11:45 pm IST)