Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

૧૦૮માં ડિલિવરી કરાતા મહિલાના જોડકા નવજાતનાં મોતથી ભારે રોષ

સગર્ભા મહિલાની ડિલીવરીનો ચોંકાવનારો કિસ્સો : મહિલાના પરિવારના સભ્યો હોસ્પિટલે પહોંચ્યા હતા હોસ્પિટલ-આરોગ્ય વિભાગ ઉપર ગંભીર આક્ષેપો કર્યા

વડોદરા, તા.૯ : શહેરમાં એક સગર્ભા મહિલાની ડિલીવરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાની વડુ સરકારી હોસ્પિટલ પર ઘોર બેદરકારીનો આક્ષેપ થયો છે. કારણ કે સગર્ભા મહિલાની ડિલીવરી ૧૦૮માં કરાવવી પડી હતી. સગર્ભા મહિલાની ડિલીવરી બાદ બંને બાળકોનાં મોત નીપજ્યા હતા. જે બાદ ગાયનેક ડૉક્ટર્સ હાજર ન રહેતા આ દુઃખદ ઘટના બની હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સગર્ભા દ્વારા જન્મ આપવામાં આવેલા બંને બાળકોનાં મોતથી પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે બાદ પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. આરોગ્ય વિભાગ પર પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. ત્યારે આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વડોદરા વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલાની ડિલીવરી ૧૦૮માં જ કરાવવામાં આવી હતી. મહિલાએ ડિલીવરી બાદ બે બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારે બંને બાળકોનાં મોત નીપજ્યા હતા. આ દુઃખદ ઘટના બાદ પરિવાર દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. મહિલાના પરિવારજનોએ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. મહિલાના પરિવારના સભ્યો સહિત ગામના લોકો હોસ્પિટલે પહોંચ્યા હતા. બાદમાં હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

મહિલાના એક પરિવારજને જણાવ્યું કે, હોસ્પિટલમાં ગાયનેક ડૉક્ટર હાજર નહોવાથી ૧૦૮માં મહિલાની ડિલીવરી કરાવવી પડી હતી. ડિલીવરી બાદ મહિલાએ બે બાળકને જન્મ આપ્યો હતો. જે બાદ એક બાળકનું મૃત્યુ થયું હતું. જ્યારે બીજુ એક બાળક જિવીત હતું. એ પછી બાળક સાથે મહિલાને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ડૉક્ટરને ફોન કર્યાના દોઢ કલાકે તેઓ આવ્યા હતા. એ પછી બીજા બાળકનું પણ મોત નીપજ્યું હતું.

બીજી તરફ, હોસ્પિટલના સ્ટાફનું કહેવું છે કે બાળકોનો જન્મ અધૂરા માસે થયો હતો. કસુવાવડનો આ કેસ છે. અધૂરા માસે જન્મ થયો હોવાથી બંને બાળકોનાં મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો છે. પરિવાર દ્વારા હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ પર ગંભીર બેદરકારીના આક્ષેપ લાગાવ્યા છે. હવે પરિવારના સભ્યો દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે.

 

 

(7:38 pm IST)