Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ગુજરાતના ઉદ્યોગપતિ પાસેથી બિશ્નોઈ ગેંગના નામે ખંડણી માગી

વ્હોટ્સએપ પર ધમકી આપતા ઓડીયો, વીડિયો મેસેજ કર્યા : લોરેન્સ બીશ્નોઇ ગેંગનો માણસ હોવાની ઓળખ આપીને અજ્ઞાત વ્યક્તિએ ઉધોગપતિ પાસેથી પાસે ૨૫ લાખની ખંડણી માગી

મોરબી, તા.૯ : વિદેશથી સમગ્ર કાળો કારોબાર સંભાળતી પંજાબની કુખ્યાત ગેંગે હવે ગુજરાતના એક ઉદ્યોગપતિ પાસેથી ખંડણી માગી છે. લોરેન્સ બીશ્નોઇ ગેંગનો માણસ હોવાની ઓળખ આપીને એક અજ્ઞાત વ્યક્તિએ સિરામિક ઉધોગપતિ પાસેથી પાસે રૃ.૨૫ લાખની ખંડણી માંગતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર નાનીવાવડી રોડ, રાધાપાર્ક સોસાયટીમાં રહેતા ઉધોગપતિ અનિલભાઇ વલ્લભભાઈ કગથરાએ પોલીસ ફરિયાદમાં નોધાવી છે કે, તા. ૨૯ના સાંજના ૫:૦૦ વાગ્યા દરમ્યાન આરોપીએ લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપી મોબાઈલ નંબર ૧(૪૨૫)૬૦૬-૪૩૬૬ ઉપરથી અનિલભાઈના મોબાઇલમાં વ્હોટ્સએપ પર ઓડીયો, વીડિયો મેસેજ કર્યા હતા અને વ્હોટ્સએપ કોલ દ્વારા અનિલભાઈને  ડરાવી ધમકાવી બળજબરીથી રૃપિયા ૨૫ લાખની ખંડણી માગી હતી. અને એસ.બી.આઈ બેક્ન એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે.તથા  ફોન પે ઉપર રૃપિયા મોકલી આપવાનું કહ્યું હતું અને જો રૃપિયા ૨૫ લાખ નહી આપે તો અનિલભાઈ તથા તેના પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અનિલભાઈના મોબાઈલમાં રીવોલ્વર તથા કાર્ટીઝનો વીડિયો મોકલીને મૃત્યુનો ભય બતાવ્યો હતો. જે મામલે એ ડીવીઝન પોલીસે ગુનો નોધી આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.

પંજાબના લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયક તથા કોંગ્રેસી નેતા સિદ્ધૂ મૂસેવાલાની ૨૯ મેના રોજ હત્યા કરવામાં આવી હતી. માનસા ખાતે તેમની ગાડી ઉપર ૩૦થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યા હતા.

મૂસેવાલા પોતાના બંને કમાન્ડોને સાથે લીધા વગર બહાર નીકળ્યા હતા અને પોતાની બુલેટપ્રૂફ ગાડી પણ સાથે નહોતા લઈ ગયા.

સિદ્ધૂ મૂસેવાલા હત્યાના માસ્ટરમાઈન્ડ લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કબૂલ્યું હતું કે, તેણે ૨૦૧૮માં અભિનેતા સલમાન ખાનને ઠાર કરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી. તે માટે તેણે ૪ લાખ રૃપિયા ખર્ચીને ખાસ રાઈફલ પણ મગાવી હતી.

આ પહેલાં દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે, જોધપુરમાં સલમાન ખાને બિશ્નોઈ સમુદાય માટે પૂજનીય મનાતાં ચિંકારાનો શિકાર કર્યો હતો. તેના બદલા રૃપે તેણે સલમાનને મારી નાખવાનું કાવતરું રચ્યું હતું.

 

 

 

(7:38 pm IST)