Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

વલસાડના ભૂતસર ગામે થયેલી લૂંટ વિથ મર્ડરની ઘટના ઉકેલાઇ

વલસાડના એસપી રાજદિપસિંહ ઝાલાએ અશક્ય લાગતી લૂંટનો ભેદ ઉકેલ્‍યો : એલસીબી એએસઆઇ મિયામહંમદ શેખની બાતમીથી લૂંટના આરોપીઓ પકડાયા

વલસાડ: વલસાડના ભૂતસર ગામના નિવૃત્ત શિક્ષકના ઘરે રાત્રી દરમિયાન આવી દિલ ધડક લૂંટ કરી તેમના પત્નીનું મો દબાવી મોતને ઘાટ ઉતારી દેવાના કેસમાં પોલીસે એક સપ્તાહની અંદર લૂટનો ભેગ ઉકેલી 3 લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એક મહિલાની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે લૂંટનો કેસ ઉકેલી રૂ. 60 હજાર રોકડા અને 25 ગ્રામ સોનું પણ પકડી પાડ્યું હતુ.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડના ભૂતસર ગામે રહેતા દિપસિંહ સોલંકી(ઉ.વ.65) અને તેમના પત્ની રમિલાબેન (ઉ.વ.60)ના ઘરે ગત 30મી ઓગષ્ટના રોજ લૂંટારૂઓ ત્રાટક્યા હતા. આ લૂંટારૂઓ છરી બતાવી દિપસિંહના અને તેમની પત્નીના શરીરના ઘરેણા તેમજ કબાટ ખોલી તેમાં રાખેલા ઘરેણા મળી કુલ 13 તોલા ઘરેણા અને રોકડા રૂ. 85 હજારની લૂંટ કરી ગયા હતા. તેમજ આ લૂંટ દરમિયાન લૂંટારૂએ રમીલાબેનનું મો દબાવી રાખતા તેમનું મોત નિપજ્યું હતુ.

આ લૂંટની ઘટના બાદ વલસાડના એસપી રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબી પીઆઇ ગામિત તેમજ સ્ટાફના એએસઆઇ મિયામહંમદ ગુલામ રસુલ શેખ તેમજ રૂપસિંગ નંદરિયા, મહેશ રાવણ તેમજ અન્ય સ્ટાફે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ધરમપુરના શ્રી બહાદુર કવિ(હાલ રહે આણંદ અને મૂળ રહે. ધરમપુર), હમઝા ઉર્ફે રોની કુરેશી (હાલ રહે. ધરમપુર મૂળ રહે યુપી) અને દક્ષા ઉર્ફે વૈશાલી શશિકાંત પટેલ (રહે. વીરવલ, ધરમપુર) સોનુ વેંચવા જવાના હોવાની બાતમી મિયામહંમદ શેખને મળી હતી. જેના પગલે વલસાડ પોલીસે તેમને હાઇવે પર નાકાબંધી કરી તેમની ફોર્ડ કાર(નં. જીજે-15-એડી-4772)ને પકડી પાડી હતી. જેમાંથી ત્રણેય આરોપીઓને પકડી તેમની પાસેથી રોકડા રૂ. 60 હજાર અને 25 ગ્રામ સોનું કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ લૂંટનો મુખ્ય સૂત્રધાર શ્રી છે. જેને દક્ષા એ ટીપ(ભોગબનનાનરની માહિતી) આપી હતી. જેના પગલે તેણે હમઝા અને અન્ય એક આરોપી વિજય કિશન ઘૂટિયા સાથે મળી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, આ લૂંટમાં તેઓ સફળ તો થયા પરંતુ પોલીસના હાથે પકડાઇ ગયા હતા.

 

 

 

 

(10:55 am IST)