Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સોમનાથ - દ્વારકા - અંબાજી - ડાકોર સહિતના મંદિરોને કોરોના નડયો : શ્રાવણમાં પણ દાનપેટી ખાલી રહી

શ્રાવણમાં ભકતો ઉમટી પડતા - દાનપેટી છલકાવી દેતા પણ આ વખતે ઉલ્ટુ થયું : ઓનલાઇન મળતા દાનમાં પણ ધરખમ ઘટાડો : ધનિક મંદિરોને હવે કરવી પડશે કરકસર

અમદાવાદ તા. ૯ : કોરોના મહામારીના કારણે ભકતો ભગવાનથી દૂર થઈ ગયા છે. મતલબ કે, તેઓ મંદિર નથી જઈ શકતા બાકી આસ્થા તો અકબંધ છે. સામાન્ય રીતે તહેવારોમાં મંદિરોમાં ભકતોનું ઘોડાપૂર ઉમટે છે પરંતુ આ વર્ષે ગુજરાતભરના મંદિરો ભકતો વિના સૂના રહ્યા. અપવાદરૂપ કિસ્સામાં મંદિરો બંધ રહેતા આ વર્ષે તહેવારોમાં ભકતો ભગવાનના દર્શનનો લ્હાવો ના લઈ શકયા.

મંદિરે આવતા ભકતોની સંખ્યા ઘટી જતાં દાનમાં પણ મળ્યું નથી. સોમનાથ મંદિરથી લઈને દ્વારકાધીશ અને અંબાજીથી માંડીને ડાકોરના મંદિરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓગસ્ટમાં ૧૦ ટકાથી પણ ઓછું દાન મળ્યું છે. ઓગસ્ટ મહિનામાં મોટાભાગે હિંદુ કેલેન્ડર મુજબ શ્રાવણ માસ હોય છે ઉપરાંત જન્માષ્ટમી અને ભાદરવી પૂનમે ભકતો મંદિરે પહોંચે છે અને ઉદારતાથી દાન કરે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે આ સંભવિત નહોતું.

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સના પાલન સાથે બે મહિના બાદ ૮ જૂનથી ગુજરાતના મંદિરો ખુલ્યા હતા. જો કે, ઘણા મંદિરોએ ઓગસ્ટ મહિનામાં બંધ પાળ્યો હતો કારણકે આ મહિનામાં અનેક તહેવારો આવે છે. એવામાં ભકતોનો ધસારો ના થાય તે માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. દર વર્ષે અંબાજીમાં ૧૫ દિવસ ચાલતો ભાદરવી પૂનમનો મેળો યોજાતો હોય છે. પરંતુ આ વર્ષે મોટી સંખ્યામાં લોકો આવશે તે ભયના કારણે મેળો રદ્દ કરવામાં આવ્યો હતો.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના જનરલ મેનેજર એસ.જે. ચાવડાએ કહ્યું, 'ગત વર્ષે ભાદરવી પૂનમે શકિતપીઠ અંબાજીમાં ૨૩ લાખ ભકતોએ મુલાકાત લીધી હતી અને ૪.૫ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આ વર્ષે કોરોના વાયરસના કારણે મુલાકાતીઓ માટે મંદિર બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે ઓનલાઈન ડોનેશન દ્વારા ૧.૫ લાખથી ૨ લાખ રૂપિયા જ મળ્યા છે.'

વેરાવળમાં આવેલું પ્રસિદ્ઘ સોમનાથ મંદિર શ્રાવણ મહિનામાં ખુલ્લું હતું ત્યારે આ વર્ષે ૧.૮૫ લાખ ભકતોએ ભોળાનાથના દર્શન કર્યા હતા. જયારે ગયા વર્ષે આ સમયગાળામાં સોમનાથ મંદિરે ૧૮ લાખ ભકતો દર્શનાર્થે આવ્યા હતા. આ વર્ષે શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિરને ૧.૨૫ કરોડ રૂપિયાનું દાન મળ્યું, જયારે ગયા વર્ષની રકમ ૬.૬૫ કરોડ રૂપિયા હતી. ટ્રેન સેવા બંધ હતી અને બસો પણ મર્યાદિત હતી ત્યારે માત્ર આસપાસના વિસ્તારોમાંથી જ ભકતો દર્શન માટે આવી શકયા હતા, તેમ સોમનાથ મંદિર ટ્રસ્ટના વિજયસિંહ ચાવડાએ કહ્યું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીના પર્વ પર સૌથી વધુ ૧.૭૫ લાખથી ૨ લાખ જેટલા ભકતો દર્શનાર્થે આવે છે. આ વર્ષે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે જિલ્લા વહીવટી તંત્રએ જન્માષ્ટમી પર મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ગયા વર્ષે જન્માષ્ટમીના પર્વ પર ૯.૫ લાખ રૂપિયાનું દાન મંદિરને મળ્યું હતું ત્યારે આ વર્ષે ૧ લાખ રૂપિયા ઓનલાઈન ડોનેશન મળ્યું છે.

જન્માષ્ટમીના પર્વ પર દર વર્ષે ડાકોરમાં મોટો મેળો ભરાય છે પરંતુ આ વર્ષે આવું થયું નહોતું. પ્રખ્યાત ડાકોર મંદિરમાં ગયા વર્ષે ૧.૭૫ લાખ ભકતોએ દર્શન કર્યા હતા અને ૧૧ લાખ રૂપિયાનું દાન મળ્યું હતું. જો કે, આ વર્ષે મંદિરની આસપાસના વિસ્તારમાં કોરોના સંક્રમણના કેસ મળી આવતાં બંધ રખાયું હતું. મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના વ્યાપક પગલાં લેનારા મંદિરોના વહીવટદારોએ કહ્યું કે, ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે દાન ખૂબ ઓછું મળ્યું છે.

જો સ્થિતિ આ પ્રકારે જ રહી તો ગુજરાતમાં દાનની દ્રષ્ટિએ ધનિક ગણતા મંદિરોમાં સ્ટાફની છટણી કરવા જેવા ગંભીર પગલાં ભરવા પડશે. સોમનાથ, ડાકોર અને અંબાજી મંદિર કુલ મળીને ૩૨૦ લોકોને રોજગારી પૂરી પાડે છે. જે મંદિરોએ ઓનલાઈન દર્શનની સેવા શરૂ કરી હતી તેમના ભકતો તો ઘટ્યા નહીં પરંતુ દાનપેટીનું તળિયું દેખાવા લાગ્યું. મંદિર ટ્રસ્ટોને ઓનલાઈન મળેલું ડોનેશન ખૂબ ઓછું છે, તેમ સૂત્રોનું કહેવું છે.

(11:39 am IST)