Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં 'ગ્રીન જેલો' બનાવાની દિશામાં પહેલ : ડો. કે.એલ.એન.રાવ

પ્રથમ તબક્કે અમરેલી સહીત અડધો ડઝન જેલો પર ફોકસઃ કાચા-પાકા અને અટકાયતી કેદીઓ પણ અભિયાનમાં હોંશે હોંશે જોડાયા : પર્યાવરણ સુધારણા-ઓકિસજન-વરસાદની ખેંચ ન રહે અને અલભ્ય દ્રશ્યો સર્જવાનું અભિયાનઃ ચાલુ વર્ષમાં જ ૧ લાખના ટાર્ગેટ સામે ૪૦ હજારથી વધુ વૃક્ષો વવાયાઃ અકિલા સાથે ગુજરાતના જેલ વડાની વાતચીત

રાજકોટ, તા., ૯: માત્ર સલામત ગુજરાત  જ નહિ, ગ્રીન અને કલીન ગુજરાત બનાવવાના  રાજયના મુખ્ય પોલીસ વડા આશીષ ભાટીયાના અભિયાનને રાજયભરના પોલીસ તંત્રમાંથી જબ્બર પ્રતિસાદ મળવાના પગલે ગુજરાતમાં હવે નવા પ્રયોગોના ભાગરૂપે ઓપન જેલ અને ખાસ જેલની માફક દેશમાં સૌ પ્રથમ વખત ગ્રીન જેલ બનાવાનો મહત્વનો નિર્ણય કરી તેનો અમલ પણ શરૂ થઇ ગયાનું રાજયના જેલ વડા ડો. કે.એલ.એન. રાવે અકિલા સાથેની વાતચીતમાં  જણાવ્યું હતું.

પ્રાથમીક તબકકે અમરેલીની ઓપન જેલ સહિત અડધો ડઝન જેલો ગ્રીન જેલમાં  તબદીલ કરવાના ભાગરૂપે ચાલુ વર્ષમાં એક લાખ વૃક્ષારોપણ કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે, જે અંતર્ગત  ૪૦ હજારથી વધુ રોપાઓ વાવી પણ દેવામાં આવ્યા છે. તેમ વિશેષમાં જેલ વડા ડો. કે.એલ.એન. રાવે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

ગ્રીન જેલ અભિયાન અંતર્ગત આ મહત્વના પ્રોજેકટમાં કાચા-પાકા તથા અટકાયતી સહીતના તમામ કેદીઓ પણ સહયોગ આપવા સહમત થયા છે. આ ઉપરાંત રાજયની તમામ જેલોના જેલ અધિક્ષકોએ તથા તમામ અધિકારીઓ તથા કર્મચારી દીઠ એક-એક વૃક્ષ વાવીને ગ્રીન જેલ બનાવવાના અભિયાનમાં હોંશે-હોંશે સામેલ થયા છે. કામગીરીનો અહેવાલ પણ રાજયના મુખ્ય જેલ વડાને મોકલવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

ગુજરાતને પ્રદુષણ મુકત બનાવવા સાથે જ વરસાદની કોઇ તંગી ન રહે અને ગ્રીનરીને કારણે વાતાવરણ અદભુત અને અલભ્ય બને તે માટે ડો. કે.એલ.એન. રાવ તત્પર છે.  અત્રે યાદ રહે કે કોરોનાની મહામારી સંદર્ભે  રાજય સરકાર દ્વારા ખોટો ખર્ચ ન થાય તે માટે ચાલતા અભિયાનમાં રાજયની જેલોના સુપ્રિન્ટેડેન્ટોને જેલ ભવન ખાતે રૂબરૂ બોલાવવાના બદલે પ૦ થી વધુ વિડીયો કોન્ફરસીંગ કરી વાહનોના પેટ્રોલોનો મસમોટો ખર્ચ બચાવવા સાથે સ્ટાફના ટીએડીએ અને વાહનોના ઘસારાનો ખર્ચ પણ બચાવવામાં આવતા ગૃહ મંત્રાલય દ્વારા પણ નોંધ લેવામાં આવી છે.

(12:54 pm IST)