Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મંગળવાર 'એસીબી ડે' જેવો બની રહ્યો : બે એન્જીનીયરો-એક પીએસઆઇ તથા બે કલાર્કો પર તવાઇ ઉતરી

બીલ પાસ કરવા પાંધ્રોના ડે.એન્જીનીયરે ૧પ હજાર તો તાબાના જુનીયર એન્જીનીયરે રપ હજારની લાંચ માંગ્યાનો આરોપ : વડોદરાના પીએસઆઇએ એસ્ટ્રોસીટીની અરજી સંદર્ભે પ૦ હજારની લાંચ માંગ્યા બાદ ૪૦ હજારનું ડીસ્કાઉન્ટ કરી આપ્યું : એસીબી વડા કેશવકુમાર અને સંયુકત ડાયરેકટર બીપીન આહીરના માર્ગદર્શન હેઠળના અભિયાનમાં કચ્છ બોર્ડર રેન્જના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલ ટીમનો સપાટો

રાજકોટ, તા., ૯: રાજયના એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં કોરોના મહામારી વચ્ચે પણ  લોકો પાસેથી મસમોટી લાંચની માંગણી કરનારાઓ સામે ચાલતી ઝુંબેશને ગઇકાલે વ્યાપક સફળતા મળવા સાથે 'એસીબી ડે' જેવો બની રહયાનું એસીબી સૂત્રોએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

કચ્છ-ભુજના ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીસીટી કોર્પોરેશન દ્વારા સંચાલીત કચ્છ થર્મલ પાવર સ્ટેશન પાંધ્રો (જીલ્લા ભુજ) સફાઇ મજુરોના સપ્લાય કોન્ટ્રાકટરનું  છેલ્લુ બીલ મંજુર કરવા માટે પાંધ્રો કચ્છ થર્મલ પાવર સ્ટેશન પાંધ્રો (જીલ્લો ભુજ)ના ડે. એન્જીનીયરે ફરીયાદી પાસેથી ૧૫ હજાર તથા જુનીયર એન્જીનીયરે રપ હજાર કુલ ૪૦ હજારની માંગણી કર્યાની ફરીયાદ એસીબી સમક્ષ થઇ હતી.

કચ્છ બોર્ડર રેન્જમાં સપાટો બોલાવનાર મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલના સુપર વિઝન હેઠળ ભુજ એસીબી પીઆઇ પી.કે.પટેલ ટીમ દ્વારા ઉકત બંન્ને એન્જીનીયરોને લાંચના આરોપસર છટકામાં સપડાવી દેવામાં આવ્યા હતા.

આજ રીતે વડોદરાના વાડી પોલીસ સ્ટેશન હેઠળના ડભોઇયા પોલીસ મથકના પીએસઆઇ રાહુલકુમાર પરમાર દ્વારા કારખાનાની જગ્યાના વિવાદ સંદર્ભે એસ્ટ્રોસીટીની અરજીનો નિકાલ કરવા ૫૦ હજારની માંગણી કરી અંતે ૪૦ હજારનું ડિસ્કાઉન્ટ આપી રૂ. ૧૦ હજારની લાંચ લેવાના આરોપસર વડોદરા એસીબીના મદદનીશ નિયામક જી.વી.પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી.ડી.બારોટે કાર્યવાહી કરી હતી.

ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનર કચેરીના જુનીયર કલાર્ક દિલીપકુમાર પાઠક અને ડીલર રમેશભાઇ રાઠોડ અજ્ઞાત વ્યકિત પાસેથી રૂ. બે હજાર અનધિકૃત અવેજ મેળવતા હોવાની કલીપ ફેસબુક તથા મીડીયામાં વાયરલ થયા બાદ એસીબી વડા કેશવકુમાર તથા સંયુકત નિયામક બીપીન આહીરના આદેશથી વિડીયો કલીપની અફએસએલ ગાંધીનગર ખાતે વોઇસ સ્પેકટ્રોગ્રાફી પરીક્ષણ કરાવતા પ્રાથમીક તબક્કે તથ્ય જણાતા ગુન્હો દાખલ કરેલ છે.  હાલ આ બન્ને કર્મચારીઓ અનુક્રમે ગીર સોમનાથ અને દ્વારકામાં ફરજ બજાવતા હોવાનું એસીબી સુત્રોએ જણાવી ઉપરોકત કર્મચારી વિરૂધ્ધ તથા અન્ય કેસો અંગે માહીતી હોય તો એસીબીનો સંપર્ક કરવા જણાવાયું છે.

(12:55 pm IST)