Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

આણંદ પંથકમાં તમાકુના ગોડાઉનો તોડતી તસ્કર ગેંગને ઝડપી લેતી પોલીસ

મોટે ભાગે તમાકુના ગોડાઉનમાં જ ચોરીઓ કરતા : ૧ કિશોર સહીત ૧૧ લોકો સામેલ : અન્ય ચોરીના ભેદ પણ ઉકેલાયા

આણંદ તા. ૯ : તમાકુના ગોદામોમાં ચોરી કરનાર ગેંગને ઉમરેઠ પોલીસે ઝડપી પાડી છે. પકડાયેલા એક કિશોર સહીત ૧૧ આરોપીઓ પાસેથી ૫ થી વધુ ચોરીઓનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યુ છે.

મળતી વિગતો મુજબ ૮ ઓગષ્ટના ઉમરેઠ થામણા રોડ પર ચંદુભાઇના તમાકુના ગોડાઉનમાંથી રાત્રે કોઇ ૪૭ કોથળા તમાકુ ઉઠાવી ગયુ હતુ. જેની કિંમત અંદાજીત ૨.૪૦ લાખ થાય છે. ત્યાર પછી ૧ સપ્ટેમ્બરે રતનપુર ગામ પાસે અશોક પટેલના ગોડાઉનમાં પણ રૂ.૧ લાખની કિંમતના તમાકુના ૧૧૬ કોથળા ચોરાઇ ગયા હતા.

આ ઉપરાંત ૬ સપ્ટેમ્બરના રતનપુરા  ખાતે પણ તમાકુના કોથળા ચોરાય ગયાની ફરીયાદ થઇ હતી. ઉમરેઠ પોલીસે અલગ અલગ પ્રાથમિક નોંધ કરી સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરતા એક જ મોડસ ઓપરેન્ડીથી ચોરીઓ થયાનું જાણવા મળેલ. શંકાસ્પદ એક યુવકને ઉઠાવી લેવાયો. જે અનેક ગુન્હામાં સામેલ હતો.

બસ પછી તો તમામ ચોરીઓનો ભેદ ઉકેલવો પોલીસ માટે આસાન થઇ ગયો. તેની સાથે અન્ય ૧૧ લોકોને પણ પોલીસે ઝડપી લીધા અને અને આ ગેંગ દ્વારા થયેલ અન્ય ચોરીઓની વિગતો પણ ખુલી જવા પામી હતી.

(12:55 pm IST)