Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ર૧મીથી પ દિ'વિધાનસભા સત્ર : પ્રશ્નોતરી નહિ

સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા પ્રેક્ષક ગેલેરીમાં પણ ધારાસભ્યોને બેસાડાશે : તમામનો કોરોના ટેસ્ટ : કોરોના યોધ્ધાઓની સેવાને બીરદાવાશે : ગુંડા વિરોધી અને ભૂમાફિયા વિરોધી વિધેયકો રજુ થશે

રાજકોટ, તા., ૯: ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ચોમાસુ સત્રનો તા.ર૧ સપ્ટેમ્બરથી અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં પ્રારંભ થનાર છે. કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને અભુતપુર્વ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગૃહ આ વખતે પ્રેક્ષકો માટે બંધ રહેશે. પ્રેક્ષક ગેલેરીમાં પણ ધારાસભ્યોને બેસાડવામાં આવશે. ગુંડા વિરોધી કાયદાને વધુ કડક બનાવવા તેમજ ભુમાફીયાઓને એકદમ સકંજામાં લેવા સહીતના નવા વિધેયકો આવી રહયા છે. ર૪ કાયદાઓમાં સુધારા લાવવામાં આવશે. સંસદીય રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભા સત્ર બોલાવવાનો કેબીનેટનો નિર્ણય જાહેર કર્યો છે.

ગયા માર્ચમાં કોરોનાની શરૂઆતના કારણે વિધાનસભા સત્ર પાંચ-છ દિવસ ટુંકાવી નાખવામાં આવેલ. રાજયમાં કોરોનાએ માથુ ઉંચકયા પછી પ્રથમ વખત વિધાનસભા સત્ર મળી રહયું છે. જેમાં પ્રશ્નોતરી કાળ રદ કરવામાં આવ્યો છે. સત્રમાં પ્રશ્નો ન પુછાય તેવું કદાચ પ્રથમ વખત બની રહયું છે. લેખીત પ્રશ્નો ધારાસભ્યો રજુ કરી શકશે.

વિધાનસભામાં તમામ ધારાસભ્યો, અધિકારીઓ, પત્રકારો વગેરેનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ધારાસભ્યોને છુટા-છુટા બેસાડવામાં આવશે. પાંચ દિવસના સત્રમાં વિપક્ષ કોરોના તેમજ ખેડુતોના પ્રશ્ને અવાજ ઉઠાવે તેવા એંધાણ છે. તાલુકા-જિલ્લા પંચાયતોની ચુંટણી પુર્વેનું આ અંતિમ સત્ર છે. સત્રમાં વિપક્ષ અને શાસક બંન્ને પક્ષની કસોટી થઇ જશે.

ભુમાફીયાઓ ઉપર લગામ ખેંચવામાં આવશે. બોગસ દસ્તાવેજો ઉભા કરી, કોકની જમીન પચાવી પાડનારાઓ તેમજ પાવર ઓફ એટર્નીનો દુરઉપયોગ કરનારાઓ સામે આકરા પગલાની જોગવાઇવાળો કાયદો આવી રહયો છે. ગુંડા વિરોધી કાયદાને સખત બનાવાશે. સ્થાનિક ચુંટણીઓ નજીક આવી રહી હોવાથી સરકાર ખેડુતો માટે હજુ વધુ કોઇ જાહેરાત કરે તેવી શકયતા છે.

(3:14 pm IST)