Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કોરોના છે? તો તમારા માટે ડોકટર હાજર છે પરંતુ અન્ય બિમારી છે ? ઘરબેઠા તદ્દન ફ્રી ઓનલાઇન સારવાર મેળવો

'નેશનલ ટેલિકન્સલટેશન સર્વિસ' શીર્ષક હેઠળ ભારત સરકાર દ્વારા ઓનલાઇન OPD સર્વિસ : સિનિયર સિટીઝન્સ, હાઇબ્લડ પ્રેશર કે ડાયાબીટીસ ધરાવતા દર્દીઓ સહિતના લોકો સામાન્ય બિમારી માટે પણ હોસ્પિટલ ગયા વગર જ ડોકટરનો સંપર્ક કરી શકે છે

રાજકોટ તા. ૯ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોના (COVID 19) એ રીતસર કાળોકેર વર્તાવ્યો છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે. કરોડો લોકો કોરોનાગ્રસ્ત થયા છે તથા થઇ રહ્યા છે. કોરોના સામેની તકેદારી રૂપે સતત લોકડાઉન બાદ ધીમે-ધીમે બધું જ અનલોક પણ થવા માંડયું છે.

આ બધાં વચ્ચે પણ ભારતમાં કોરોના દિવસે-દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતો હોવાનું દેખાઇ રહ્યું છે. લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા તંત્ર દ્વારા પણ સતત અપીલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને બાળકો તથા વૃદ્ધો (સિનિયર સિટીઝન્સ)ને તો ઘરમાં જ રહેવા તંત્ર દ્વારા સલાહ આપવામાં આવે છે.

આ બધાં જ પરિબળો વચ્ચે લોકોને કોરોના સિવાયની અન્ય બિમારીઓ જેવી કે હાઇબ્લડપ્રેશર, ડાયાબીટીસ, માથું તથા શરીરમાં દુખાવો વિગેરે માટે હવે OPD માટે હોસ્પિટલે જવાની જરૂર નથી. નિષ્ણાંત ડોકટર્સ ઓનલાઇન હાજર છે, કે જે દર્દીઓ દ્વારા રજુ કરવામાં આવેલ તકલીફો કે બિમારીનું ઓનલાઇન નિદાન કરશે તથા દવા પણ લખી આપશે.

કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા 'નેશનલ ટેલિકન્સલટેશન સર્વિસ' શીર્ષક હેઠળ લોકોને સૌપ્રથમ વખત ઓનલાઇન OPD સર્વિસ મળી રહી છે. જેમાં દર્દીઓને ઘરબેઠા સારવાર મળી રહે તેવો આશય રહેલો છે. આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ વિગેરે રાજયોમાં સેંકડો લોકો આ સર્વિસનો લાભ લઇ રહ્યા છે. આ સર્વિસ અઠવાડીયાના સાતેય દિવસ સવારે ૧૦ થી બપોરે ૩ વાગ્યા સુધી તદ્દન ફ્રીમાં ઉપબ્ધ છે.

 આ સર્વિસનો લાભ કઇ રીતે લઇ શકાય ?

 સૌપ્રથમ ગુગલ કે ગુગલ ડ્રોમ મારફત કેન્દ્ર સરકારની વેબસાઇટ-લીંક ઉપર જવુ.

https://www.esanjeevani opd.in

 દર્દીનું રજીસ્ટ્રેશન સિલેકટ કરવું

 મોબાઇલ નંબર ટાઇપ કરીને રજીસ્ટ્રેશન માટે મોબાઇલ ઉપર OTP ટાઇપ કરવો.

 દર્દીની વિગતો તથા જીલ્લો  એન્ટર કરવો.

હવે તમે ડોકટર સાથે ઓનલાઇન કનેકટ થઇ શકશો. આ પછી વિડીયો દ્વારા કોઇપણ બિમારી માટે ડોકટરનો કન્સલ્ટ થઇ શકશે. ડોકટર દવા પણ ઓનલાઇન પ્રિસ્ક્રાઇબ કરી આપશે કે જે મેડીકલ સ્ટોરમાં જઇને લઇ શકાશે.

કોઇપણ જાતની પૂછપરછ માટે હેલ્પલાઇન નંબરઃ + 91-11-23978046 તથા ટોલ ફ્રી નંબરઃ 1075 ઉપર સંપર્ક કરીશકાય છે. હેલ્પલાઇન ઇ-મેઇલ આઇડીઃ ncov 2019@go.in  પણ કાર્યરત છે.

ગુજરાત માટે હેલ્પલાઇન નંબર ૧૦૪ તથા વોટ્સએપ નંબર ૯૦૧૩૧ ૫૧૫૧૫

'નેશનલ ટેલીકન્સલટેશન સર્વિસ' સંદર્ભે અહિં આપેલ હેલ્પલાઈન નંબર ઉપર આજરોજ અકિલા દ્વારા પૂછપરછ કરવામાં આવતા દિલ્હી ખાતેથી સૌપ્રથમ ફોન કરનારનું નામ, મોબાઈલ નંબર તથા રાજયનું નામ પૂછવામાં આવ્યુ હતું. ત્યારબાદ ગુજરાત રાજય માટે હેલ્પલાઈન નંબર ૧૦૪ તથા વોટ્સએપ દ્વારા કન્સલટેશન માટે ૯૦૧૩૧ ૫૧૫૧૫ નંબર આપવામાં આવ્યો હતો. કોરોના તથા અન્ય બિમારી વિશે જાણકારી અને સારવાર માટે ઉપરોકત બંને નંબર ઉપરથી ડોકટર્સને પણ કન્સલ્ટ કરી મદદ લઈ શકાય છે.

ડોકટરને કન્સલ્ટ કરવા માટે આ પાંચ સ્ટેપને અનુસરવું

(૧) OTP સાથે મોબાઇલ નંબર વેરીફાઇ કરવો.

(૨) રજીસ્ટ્રેશન પછી ટોકન જનરેટ થશે.

(૩) નોટીફીકેશન મળે કે તુરત જ લોગઇન થવું.

(૪) તમારો વારો (ટર્ન) આવે ત્યાં સુધી રાહ જુઓ અને ત્યારબાદ ડોકટરને કન્સલ્ટ કરો.

(પ) દવા લખેલું ઇ-પ્રિસ્ક્રીપ્શન ડાઉનલોડ કરવું.

(3:58 pm IST)