Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

નરેન્દ્રભાઈ સહિતના મહાનુભાવોએ માહુકરજીને શ્રધ્ધાંજલી અર્પી

અમિતભાઈ શાહ- શકિતસિંહ ગોહીલ- અર્જુન મોઢવાડીયા- અમિત ચાવડા- પરેશ ધાનાણીએ શોક- સંદેશો પાઠવ્યો

રાજકોટઃ વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના મહામંત્રી અને નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલ્વેમેન્સના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જે.જી.માહુકરજીનું ૮૫ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી દુઃખદ નિધન થયું વડોદરા સ્થિત તેમના નિવાસસ્થાનેથી નિકળેલી સદ્દગતની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં રેલ્વેના કર્મચારીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિતના મહાનુભાવોએ સ્વ.માહુકરજીને શોકસંદેશો પાઠવી શ્રધ્ધાંજલી અર્પી હતી.

સદ્દગતની સ્મશાનયાત્રામાં મઝદૂર યુનિયનના પ્રમુખ શરીફખાન પઠાણ, ટ્રેઝરર કે.પી.ગુપ્તા, વિભાગીય સચિવ એન.કે.હાઉસ ઓફ જે.એન. કાકડે અને સંયુકત સેક્રેટરી આર.એન.સિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૧૬ માર્ચ ૧૯૩૫ના રોજ જન્મેલા માહુકરજી ૧૯૭૭ થી ૨૦૦૧ દરમિયાન મઝદૂર યુનિયનના વિભાગીય સચિવ અને ૨૦૦૧ થી ૨૦૨૦ સુધી તેઓ મહામંત્રી રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માહુકરના નિધન પર શોક વ્યકત કર્યો છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ, પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, રેલ્વે બોર્ડના અધ્યક્ષ વી.કે.યાદવ, પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક કાંસલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાના નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ સદ્દગતના પરિવારને શોક વ્યકત કર્યો હતો.

માહુકરજીના દુઃખદ નિધનના સમાચાર મળતા મોટી સંખ્યામાં રેલ્વે કર્મચારીઓ  અંજલી આપવા માટે તેમના ઘરે પહોંચી ગયા હતા. વિભાગીય રેલ્વે મેનેજર દેવેન્દ્ર કુમાર, અધિક વિભાગીય રેલ્વે મેનેજર એે.કે.સિંઘ, રેલ્વે હોસ્પિટલના અધિક્ષક બ્રહ્મપ્રકાશે શ્રદ્ધાંજલી આપી હતી. સદ્દગતને પુત્ર ઉદય મહુરકરે અગ્નિદાહ આપ્યો હતો.

માહુકરજીને અડધો કલાક સુધી દાખલ નહોતા કરાયા

મઝદૂર સંઘના શરીફખાનનો આક્ષેપ

રાજકોટઃ રેલ્વે મઝદૂર યુનિયનના પ્રણેતા શરીફ ખાને જણાવ્યું હતું કે, માહુકરજીની તબિયતની માહિતી મળતા તેઓ તાત્કાલીક તેમના ઘરે પહોંચી ગયા હતા. માહુકરને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેઓને અડધો કલાક સુધી દાખલ કરવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

(3:59 pm IST)