Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રાજ્‍ય સરકાર લાભપાંચમથી રૂ.1055ના પ્રતિ મણના ભાવે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશેઃ કેબિનેટ બેઠકમાં નિર્ણય

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ કેબિનેટ બેઠકમાં વિધાનસભાના ચોમાસા સત્ર અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિધાનસભાના સત્રની તારીખ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદીને મંજૂરી આપી છે. બેઠક બાદ ગુજરાતના ખેડૂતો માટે જાહેરાત કરાઈ કે, 1055 રૂપિયા પ્રતિ મણના ભાવે લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે.

આજે મળેલી કેબિનેટમાં મગફળીના ટેકાના ભાવે ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. પ્રતિ મણ 1055 રૂપિયાના ભાવથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે. આ વિશે મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે, મગફળી ખરીદી માટે ટેકાના ભાવે કેબિનેટે નિર્ણય કર્યો છે. જેની સમગ્ર કામગીરી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ કરશે. રાજ્ય નાગરિક પુરવઠા નિગમ બે વર્ષથી મગફળી ખરીદી કરતી આવી છે, અને નોડલ એજન્સી તરીકે કામ કરશે. ત્યારે 5275 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.  ખેડૂતોને મુશ્કેલી ન પડે એ માટે તમામ સેન્ટરો પર વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં પુરવઠા નિગમમાં જેટલો સ્ટાફ હશે એટલો જ આપવાની ખાતરી આપી છે. મહેસૂલ અને કૃષિ વિભાગ પાસેથી વધારાનો સ્ટાફ લઈને પણ લાભ પાંચમથી ખરીદી શરૂ કરવામાં આવશે. આવનાર દિવસોમાં મગફળી ખરીદીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

તો ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, વિધાનસભાનું સત્ર પાંચ દિવસનું રહેશે. 21 મી સપ્ટેમ્બરથી સત્રની શરૂઆત થશ. મહેસૂલમાં રજિસ્ટ્રેશન એક્ટ, ગુંડા ગુજરાત છોડો એક્ટ સહિત કુલ 24 પ્રકારના કાયદાના સુધારાઓ વિધાનસભાના સત્ર દરમિયાન લેવામાં આવશે. વિધાનસભા સત્ર દરમિયાન કોરોના વોરિયર્સનું સન્માન કરવામા આવશે. પ્રશ્નોત્તરી વર્ષ વિધાનસભા સત્રમાં નહિ રહે. વિધાનસભામાં પ્રશ્નોત્તરીનો સમાવેશ નહિ થાય. માત્ર ટૂંકી મુદતના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે. સત્ર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ રહે તે પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. વિધાનસભાના સત્ર પહેલા મુખ્યમંત્રીથી શરૂ કરી તમામ ધારાસભ્યો તમામ અધિકારીઓ અને પત્રકારો અને સલામતી અધિકારીઓ અને વિધાનસભાનો સ્ટાફ અને સેવકોનો કોવિડ ટેસ્ટ કરાશે.

રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીને લઇ કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. રાજ્ય પુરવઠા નિગમ અને કૃષિ મંત્રાલયના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આ વર્ષે ટેકાના ભાવે મગફળીના ખરીદીની જવાબદારી રાજ્ય નાગરિક પુરવઠા નિગમને સોંપવામાં આવી છે. તેથી ફોર્મ ભરવાની પ્રક્રિયા, મગફળી ખરીદી માટેની વ્યવસ્થા અને કર્મચારી મહેકમ સંદર્ભને લઇનેમ હત્વની ચર્ચા કરાઈ હતી. જરૂર જણાશે તો કૃષિ મંત્રાલય અને મહેસુલ મંત્રાલયના કર્મચારીઓને પણ જવાબદારી સોપવામાં આવશે તેવો બેઠકમા નિર્ણય લેવાયો. કૃષિમંત્રી આર.સી. ફળદુ, રાજ્ય પુરવઠા મંત્રી જયેશ રાદડીયા અને અન્ય અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

(4:35 pm IST)