Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

અમદાવાદના સાતેય ઝોનમાં એક સરખી પાણીની નીતિ લાગુ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો

અમદાવાદ: મ્યુનિ.ના સાતેય ઝોનમાં પાણીના જોડાણના દર સહિત તમામ બાબતોમાં એક સરખી નીતિ લાગુ પાડવા વોટર એન્ડ ડ્રેનેજ કમિટીએ ફરી એક વખત ઠરાવ કર્યો છે અગાઉ ૨૦૧૧-૧૨માં આવો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટી અને ત્યારબાદ બોર્ડમાં પણ પસાર થઈ ગયો હતો, પરંતુ તેનો અમલ કરાયો ના હતો. હાલ અન્ય પાંચ ઝોન અને નવા પશ્ચિમના બે ઝોન વચ્ચે જાતજાતની વિસંગતતા પ્રવર્તે છે, જે દૂર કરી યુનિફોર્મ પોલિસી લાગુ કરવા માગણી ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બોર્ડ સુધી પસાર થઈ ગયેલાં ઠરાવનો અમલ અધિકારીઓએ કર્યો જ નહીં અને ચૂંટાયેલાં પદાધિકારીઓએ તેનો આગ્રહ જ રાખ્યો ના હતો. દરમ્યાનમાં ત્રણેક મહિના પહેલાં ઘાટલોડિયાના સિનિયર કોર્પોરેટરે કમિટીમાં આ મુદ્દા પર રજૂઆત કરીને નવી નીતિ ઘડવાની માગણી કરી હતી. અગાઉના કમિશનરે પણ આ બાબતે સૂચના આપી હતી, પરંતુ ત્યારબાદ કોઈએ બહુ ઉંડો રસ લીધો ના હતો. હવે, પાણી કમિટીના ચેરમેને રસ લઈને ફરી ઠરાવ કર્યો છે, હવે જોવાનું એ છે કે તેનો અમલ થાય છે કે પછી અગાઉના ઠરાવની જેમ બાળમરણ થાય છે.

(5:02 pm IST)