Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

વિરમગામના ૬૫ વર્ષિય વ્યક્તિએ ૨ મહિના અને ૫ દિવસની સારવાર બાદ કોરોના વાયરસને હરાવ્યો

નુરઅહેમદ કાદરભાઇ મુલ્લાને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ૨૦ દિવસ સુધી વેન્ટીલેટર, ત્યારબાદ બાઇપેપ, ઓક્સિજન પર રાખવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વિરમગામના મોટી વોરવાડ વિસ્તારમાં રહેતા નુરઅહેમદ કાદરભાઇ મુલ્લાનો તારીખઃ-૦૪/૦૭/૨૦૨૦ના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ દ્વારા સિવીલ હોસ્પિટલ અમદાવાદ સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. તેઓને તાવ, ખાંસી, નબળાઇ અને શ્વાસની તકલીફની સાથે ઓક્સિજનનું પ્રમાણ ૮૨ ટકા જેટલુ હતુ. ૬૫ વર્ષિય નુરઅહેમદ કાદરભાઇ મુલ્લાની તબીયત વધુ બગડતા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ૨૦ દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ બાઇપેપ પર મુકવામાં આવ્યા હતા. સતત ઓક્સિજન પર રાખ્યા પછી નુરઅહેમદ કાદરભાઇ મુલ્લાએ ૨ મહિના અને ૫ દિવસ પછી કોરોનાના વાયરસને હરાવ્યો છે અને વિરમગામ પોતાના ઘરે પરત ફર્યા છે. વિરમગામ વોરવાડ ખાતે અર્બન હેલ્થ સેન્ટર વિરમગામની ટીમ દ્વારા નુરઅહેમદ કાદરભાઇ મુલ્લાની મુલાકાત લેવામાં આવી હતી અને તેમની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, મોટી ઉંમરની વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવે તો તેઓને રીકવર થવામાં ઘણી તકલીફો પડતી હોય છે. પરંતુ નુરઅહેમદ કાદરભાઇ મુલ્લાની હિમ્મત અને ડોક્ટરોની મહેનતથી તેઓએ ૨ મહિના અને ૫ દિવસ પછી કોરોનાના વાયરસને પરાસ્ત કર્યો છે. તેઓના ચહેરા પર કોરોના વાયરસને પરાસ્ત કરવાનો આનંદ સ્પષ્ટ દેખાય છે. તેમ તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા અને અર્બન હેલ્થ ઓફિસર ડૉ.રવિન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ.

(5:30 pm IST)