Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

અમદાવાદ મનપાનો મોટો નિર્ણય : કાલથી AMTS -BRTS બસ સેવા શરૂ કરાશે : સવારે 6થી રાત્રિના 11 વાગ્યા સુધી બસો દોડશે

એએમટીએસની 149 રૂટ પર 700 અને બીઆરટીએસની 13 રૂટ પર 222 બસો રહેશે: ગાઈડ લાઇનનું કરવું પડશે પાલન

અમદાવાદ: રાજ્ય સરકારના દિશા નિર્દેશ અનુસાર અમદાવાદમાં  નાગરિકોને પરિવહન અર્થે શહેરના કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ગાઇડલાઇન અનુસાર 50 ટકા કેપેસિટી સાથે AMTS તથા BRTS (AMTS BRTS Bus Service) ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા મર્યાદિત રૂટ મારફતે શરૂ કરવામાં આવી હતી. કાલ તા. 10મી સપ્ટેમ્બરથી સવારે 6થી રાત્રિના 11 વાગ્યા સુધી આ બસો દોડશે. AMTSની 149 રૂટ ઉપર 700 અને BRTSની 13 રૂટ પર 222 બસો પરિવહન અર્થે શરૂ કરવામાં આવનારી છે. જેમાંથી AMTSની 650 બસો રોડ પર દોડશે અને 50 સ્પેરમાં રહેશે. તે જ રીતે BRTSની 205 બસો દોડશે અને 17 સ્પેરમાં રહેશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ભારત વર્ષમાં પરિવહનની સુવિધા પુરી પાડવા અંગે કામગીરી કરી રહી છે.તેના ભાગરૂપે જ અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ તથા અમદાવાદ જનમાર્ગ લી. દ્રારા શહેરીજનોને જાહેર પરિવહનની સેવા પુરી પાડવાની શરૂઆત કરી હતી.

આ સેવા લોકડાઉન દરમિયાનમાં અમૂક અંશે ચાલુ રાખવામાં આવી હતી.અત્યારસુધી દોડતી બસોમાં આવતીકાલથી વધારો કરવામાં આવશે તેવી કોર્પોરેશન તરફથી જાહેરાત કરવામાં આવી છે.

કોર્પોરેશન તરફથી મુસાફરો તથા જાહેરજનતાને AMTS તેમ જ BRTS બસ સ્ટેશન (AMTS BRTS Bus Service) ઉપર મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે.ઉપરાંત બસમાં મુસાફરી કરતી વખતે ફરજિયાત માસ્કર પહેરેલું હોવું જોઇએ તેમ જણાવ્યું છે.તેમ જ બસની અંદર સીટોની કેપેસિટી મુજબ 50 ટકા સીટોમાં જ બેસવાનું રહેશે. સ્ટેન્ડિંગ મુસાફર લેવામાં આવશે નહીં.

ઉપરાંત AMTS બસની કન્ડકટરની સૂચનાઓ તથા BRTS સ્ટેશન ઉપર ગાર્ડની સૂચનાઓનો અમલ કરવાનો રહેશે (AMTS BRTS Bus Service) , ઘર્ષણ કરવું નહીં તેમ જણાવ્યું છે.વધુમાં એમ પણ જણાવ્યું છે કે, મુસાફરોએ પોતાના હાથ મુસાફરી કરતી વખતે સેનેટાઇઝ કરવાના રહેશે.અને વેલીડેટરનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે. આ તમામ નિયમોનો ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.

લોકડાઉન દરમિયાન AMTSના ઓપરેશન રૂટ 77 પર 355 બસો દોડતી હતી.પરંતુ આવતીકાલે તા. 10મીથી 149 ઓપેરેશન રૂટ પર 650 બસો દોડશે અને વધુ 50 બસો અનામત રાખવામાં આવશે.તે જ રીતે BRTSની લોકડાઉન દરમિયાન 8 ઓપરેશન રૂટ પર 125 બસો દોડતી હતી.આવતીકાલથી ઓપેરશનલ રૂટ 13 પર 205 બસો દોડશે. અને 17 બસોને સ્પેરમાં રાખવામાં આવશે.

(6:38 pm IST)