Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સ્ટેચ્યૂ ઑફ યુનિટીને કોરોના મુક્ત કરવાનું અભિયાન શરૂ

૨૮૦૦ કર્મચારીઓના ટેસ્ટ કરાયા : વડાપ્રધાન મોદી આગામી ૩૧મી ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેનાર છે

નર્મદા,તા.૯ : વડાપ્રધાન મોદી આગામી ૩૧મી ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેનાર છે. આ પહેલા તંત્ર તરફથી સ્ટેચ્યૂ ઑફ યુનિટીને કોરોનામુક્ત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ માટે જ અહીં કામ કરતા ૨,૮૦૦ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોવિડ-૧૯ના ટેસ્ટ કરવા માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ લોકોનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. નર્મદા જિલ્લામાં આવેલા પ્રવાસન ધામ સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને નર્મદા ડેમ, જંગલ સફારી સહિતના સ્થળોમાં કામ કરતા કર્મચારીઓનાં કોરોના કાળમાં સારા સ્વાસ્થ્યની કામના સાથે આખા ઝોનને કોરોના ફ્રી ઝોન બનાવવા ગરુડેશ્વરના વાગડીયા ખાતે કોવિડ-૧૯ કોરોના ટેસ્ટ માટે મેગા કેમ્પનું આયોજન નર્મદા નિગમ, સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. કેવડિયા કોલોનીમાં ૧૦ અલગ અલગ કેન્દ્રો પર કોવિડ-૧૯ ટેસ્ટ કરવામાં આવશે.

                આ ટેસ્ટ ઝૂંબેશમાં કેવડિયા ખાતે ફરજ બજાવતા સરદાર સરોવર નર્મદા નિગમ લી.,સ્ટેચ્યૂ ઑફ યુનિટી, વનવિભાગ કેવડિયા, ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લી., જીએસઈસીએલ,જિલ્લા કલેકટર કચેરી અને ટર્નરનાં તમામ કર્મચારીઓ તેમજ અધિકારીઓ તથા માધ્યમકર્મીઓને પણ આવરી લેવાશે. આ માટે સૂક્ષ્મ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે ૨,૮૦૦ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આગામી ૩૧ ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે. તેમજ પ્રવાસીઓ માટે એસઓયુ ખુલ્લું મૂકવામાં આવશે. તમામ કર્મચારીઓ પણ પીએમ નરેન્દ્ર મોદી સાથે રહેવાના હોવાથી કોરોના સંક્રમણ ન ફેલા તે માટે તમામના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં દેશ બહારથી પણ લોકો અહીં આવશે તે માટે તંત્ર સજ્જ થયું છે.

(7:33 pm IST)