Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

અમદાવાદમાં શરમજનક ઘટના :સમાજસેવીનો ઢોંગ રચી વિકલાંગ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

લગ્નની લાલચ આપી દુષ્કર્મ બાદ આરોપીએ મહિલાને “હું વિકલાંગ છું, મારે મદદની જરૂર છે”નું બોર્ડ પકડાવી રોડ પર બેસાડવાનું શરૂ કર્યું

 

અમદાવાદ:શહેરના નિકોલ વિસ્તારમાં સમાજસેવકનો ઢોંગ રચી વિકલાંગ મહિલાને લગ્નની લાલચ દુષ્કર્મ આચર્યાની શરમજનક  છે. લગ્નની વાત તો બાજુએ આરોપીએ મહિલાને “હું વિકલાંગ છું, મારે મદદની જરૂર છે”નું બોર્ડ પકડાવી રોડ પર બેસાડવાનું શરૂ કર્યું હતું. જે પૈસા આવે તે પોતે લઈ લેતો અને મહિલાને પોતાના બાઇક પાછળ બેસાડી ઘરે લઈ જતો હતો.

પાંચ મહિના સુધી આરોપીની કેદમાં રહેલી વિકલાંગ મહિલાને તક મળતા તે બે દિવસ અગાઉ ભાગી અને નિકોલ પોલીસને બનાવની જાણ કરી હતી. પોલીસે સંજય વ્યાસ નામના આરોપીને અટક કરી નજર હેઠળ રાખ્યો છે.

નિકોલમાં રહેતી અને અગરબત્તીના કારખાનામાં કામ કરતી સુમિત્રા (ઉં,40) બન્ને પગે વિકલાંગ હોવાથી ત્રણ પૈડાવાળી સાયકલ લઈ નોકરીએ જતી હતી. સુમિત્રાને વિરાટનગર પાસે થોડા મહિનાઓ અગાઉ સંજય વ્યાસ મળ્યો હતો. આરોપીએ પોતે સમાજસેવક હોવાનું જણાવી સુમિત્રાને વિકલાંગ સહાય અપાવામાં મદદરૂપ થશે તેમ જણાવી વિકલાંગ સર્ટી આપવા કહ્યું હતું.

આમ દિવસો જતા સુમિત્રા સાથે ગાઢ પરિચય થયા બાદ આરોપીએ પોતે અપરિણીત હોવાનું અને વિકલાંગ સાથે લગ્ન કરી તેનું જીવન સુખમય બનાવવાનું વિચારતો હોવાની વાત કરી હતી. આમ વાતવાતમાં સંજયે અચાનક સુમિત્રા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. સુમિત્રા લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી સંજય સાથે તેના શિવમ આવાસ ખાતેના મકાનમાં રહેવા માટે ગત તા. 1લી એપ્રિલના રોજ ગઈ હતી.

સુમિત્રા સાથે સંજયે તે રાત્રે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. સંજયે સુમિત્રાને આપડે બન્ને પતિ પત્નીની જેમ રહીશું તેવો વિશ્વાસ આપ્યો હતો. લોકડાઉનમાં ઘરમાં અનાજ હોવાથી સુમિત્રાએ અનાજ લાવવાનું કહેતા આરોપી ઉશ્કેરાયો અને મારઝૂડ કરી હતી. સંજયથી નારાજ સુમિત્રાએ પોતાના ઘરે જવાની વાત કરતા આરોપીએ ફરી મારઝૂડ કરી હતી.

ઘટના બાદ સંજય સુમિત્રાને પોતાની નજરથી દૂર થવા દેતો નહોતો. ધીરે ધીરે આરોપીએ સુમિત્રાને વિકલાંગનું બોર્ડ પકડાવી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. તક મળતા બે દીવસ અગાઉ સંજયની ચુંગાલમાંથી છટકી સુમિત્રા નિકોલ પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરતા પોલીસ અધિકારીઓ પણ હેબતાઈ ગયા હતા. પોલીસે આરોપી સંજય ઇન્દ્રવદન વ્યાસ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(12:21 am IST)