Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

‘‘હમ હમારા હક્ક માંગતે હૈ, નહીં કિસીસે ભીખ માંગતે હૈ’’ વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને NSUI દ્વારા ધરણા કાર્યક્રમ

15 દિવસમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો રાજ્યના મંત્રીઓના જાહેર કાર્યક્રમોમાં વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી

અમદાવાદ :અનુસૂચિત જાતિ (એસ.સી.), અનુસૂચિત જનજાતિ (એસ.ટી.) અને બક્ષીપંચના 50,000 કરતા વધુ વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓને 15 મહિનાથી સ્કોલરશીપમાં વિલંબ, મળવાપાત્ર શૈક્ષણિક રાહતથી વંચિત રાખવામાં આવ્યા છે. તેના વિરોધમાં NSUI દ્વારા ગુજરાત યુનિવર્સીટી ખાતે ધરણાંનો કાર્યક્રમ રાખ્યો હતો. જો સરકાર  15 દિવસમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો રાજ્યના શિક્ષણ મંત્રી, સામાજીક ન્યાય અધિકારીતા મંત્રીના જાહેર કાર્યક્રમોમાં વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

રાજ્યમાં એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.ના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓની 2000 થી 20,000 જેટલી સ્કોલરશીપ મેળવવા 15 મહિનાથી રાજ્ય સરકારે અટકાવી રાખી છે. વિદ્યાર્થીઓ જે તે જીલ્લાની સમાજ કલ્યાણની કચેરીએ તથા ગાંધીનગરમાં રજુઆત કરવા છતાં સરકાર તરફથી કોઈપણ જવાબ આપવામાં આવતો નથી. એસ.સી., ફીશીપ કાર્ડના નાણા પણ રોકી રાખવામાં આવ્યા છે. એસ.સી., એસ.ટી. અને ઓબીસીના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના સ્કોલરશીપ સરકાર આગામી 15 દિવસમાં તેમના એકાઉન્ટમાં જમા નહિ કરે તો એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.ના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓના હિતમાં આંદોલનાત્મક કાર્યક્રમ અપાશે જેની જવાબદારી રાજ્ય સરકારની રહેશે.

આજ રોજ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત NSUI અને યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીની ઉપસ્થિતિમાં NSUI દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સ્કોલરશીપની માંગ સાથે ભારે સુત્રોચ્ચાર ‘‘હમ હમારા હક્ક માંગતે હૈ, નહીં કિસીસે ભીખ માંગતે હૈ’’, ‘‘છાત્રો કે સન્માન મેં, NSUI મેદાન મેં’’ સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

એસ.સી., એસ.ટી., ઓ.બી.સી.ના વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે સ્કોલરશીપ આપવામાં આવે. જો વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નહી આપે તો NSUI દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી, સામાજીક ન્યાય અધિકારીતા મંત્રીના જાહેર કાર્યક્રમોમાં વિરોધ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં NSUIના આગેવાન રાહુલ પરમાર, ગૌરાંગ મકવાણા, પ્રવિણ વણોલ, નૈતિક શાહ, ભાવિક પરમાર, સંજય સોલંકી, દક્ષ પટેલ, જયમીન સોનારા, સુનિલ સુકલા, આકાશ સોલંકી, મયુર ભરવાડ, હર્ષ મકવાણા, વિજય ભરવાડ, દિપક કણઝરીયા, જયસિંહ ઠાકોર, હર્ષ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

(11:37 pm IST)