Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ગુજરાતમાં નેશનલ હાઇ-વે બિસ્માર : ૩ વર્ષમાં ૫૫૮ અકસ્માતમાં ૨૩૪ના મોત : અર્જુનભાઇ મોઢવાડિયા

બિસ્માર માર્ગોનું સમારકામ કરવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખની નિતીન ગડકરીને વિડીયો ટ્વીટ કરીને રજૂઆત

ગાંધીનગર તા. ૯ : ગુજરાતના કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતો કંડલા-દિલ્હી નેશનલ હાઇવે નં.૮ અત્યંત બિસ્માર હાલતમાં છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આ નેશનલ હાઇવેનો કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને વીડીયો ટવીટ કરીને હાઇવેનું ઝડપથી સમારકામ કરવા માટે વિનંતી કરી છે.

આ અંગેની માહિતી આપતાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં સમખીયાળી-પાલનપુર, ભાવનગર-સોમનાથ- દ્વારકા અને અમદાવાદ-હિંમતનગર સુધીના નેશનલ હાઇવેની સ્થિતિ અત્યંત બિસ્માર છે. કચ્છના સામખિયાળીથી બનાસકાંઠાના પાલનપુર થઇને દિલ્હી જતાં નેશનલ હાઇવે નં.૮ની બિસ્માર સ્થિતિના કારણે દર સપ્તાહે ત્રણથી ચાર અકસ્માત સર્જાય છે. જેમાં ત્રણથી પાંચ નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવે છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા જંગી ટોલ ટેકસ વસૂલવામાં આવે છે છતાં રોડની સુવિધાઓના નામે માત્ર ખાડાઓ જ મળે છે. જેના કારણે હજારો વાહનચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. ખરાબ હાઇવેના કારણે કરોડો રૂપિયાનું ડિઝલ-પેટ્રોલ વેડફાય છે છતાં નેશનલ હાઇવે ઓથોરીટીને લોકોની આ યાતનાઓ દેખાતી નથી.

તેમણે વધુમાં કહ્યું કે, નેશનલ હાઇવે નં. ૮ ઉપરાંત ભાવનગર-સોમનાથ-દ્રારકા નેશનલ હાઇવેની નબળી અને ગોકળગાયની ગતિથી ચાલતી કામગીરીના લીધે ગુજરાતના આખા સમુદ્દ પટ્ટાના લોકો પરેશાન છે. રોડ ઉપર મસમોટા ખાડાઓના કારણે અવારનવાહનો ફસાય છે. અકસ્માતો સર્જાય છે. લોકોના જીવ જાય છે. આ પટ્ટા ઉપર મોટાપાયે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલ છે. જેમાં કોઇ દુઘર્ટના સર્જાય કે આ વિસ્તારમાં કોઇ ઇમરજન્સી સર્જાય ત્યારે બિસ્માર નેશનલ હાઇવેના કારણે ૧૦૮ સમયસર પહોંચી શકતી નથી. અને લોકોના જીવ બચાવવા મુશ્કેલ બને છે.

અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવેને ફોર લેનમાંથી સીકસ લેન બનાવવાની કામગીરી વર્ષોથી ચાલી રહી છે પુરું થવાનું નામ જ લેતી નથી. જેના કારણે વારંવાર ટ્રાફિક ચક્કાજામ થઇ જાય છે. સ્થાનિક લોકોએ પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. માત્ર નેશનલ હાઇવે ઓથોરીટીના આંકડા મુજબ ગુજરાતમાં નેશનલ હાઇવે પર છેલ્લાં ત્રણ વર્ષમાં ૫૫૮ અકસ્માતમાં ૨૩૪ વ્યકિતના મોત થયા છે.તેમણે કહ્યું કે, આટલી ગંભીર સ્થિતિ છતાં ગુજરાતમાં નેશનલ હાઇવેના સમારકામ માટે રાજયની ભાજપ સરકારે અત્યાર સુધી નેશનલ હાઇવે ઓથોરીટી કે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીને એકપણ રજૂઆત કરી નથી. અકસ્માતમાં લોકો જીવન ગુમાવી રહ્યાં છે છતાં રાજયની ભાજપ સરકાર એટલી અસંવેનદશીલ બની ચૂકી છે કે ગુજરાતીઓને પડી રહેલી હાલાકી અને અકસ્માતમાં મોતની કંઇ જ પડી નથી. જેથી ગુજરાતમાંથી પસાર થતાં તમામ નેશનલ હાઇવેનું સત્વરે સમારકામ કરવામાં આવે અને જયાં સુધી સમારકામ ના થાય ત્યાં સુધી નેશનલ હાઇવે ઉપર ઉઘરાવવામાં આવતો ટોલ ટેક્ષ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.

(12:03 pm IST)