Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

પીએમની મુલાકાત સંદર્ભે ધમધમાટ, કેન્દ્રીયગૃહ સચિવ દોડી આવ્યા

નર્મદા ખાતે હાઈ લેવલની બેઠક યોજાઈ, મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા સહિતના ટોચના અધિકારીઓ સાથે અજિત ભલ્લા દ્વારા મહત્વની ચર્ચાઓ હરદ્વારના ગંગા આરતીની તર્જ પર નર્મદા ઘાટ પર મહા આરતીનો નરેન્દ્રભાઇ દ્વારા પ્રારંભ,આઝાદી અમૃત મોહત્સવ અંતર્ગત લોખડી પુરુષના જન્મદિવસે રાષ્ટ્રિય એકતા પરેડ ચાલુ માસના અંતે ગુજરાત આવનાર વડાપ્રધાનની મુલાકાત અંતર્ગત સેન્ટ્રલ આઇબી સાથે ગુપ્તચર વડા અનુપમસિંહ ગહેલોત સતત સંકલન રાખી રહ્યા છે, આઇબીના યુનિટ એલર્ટ

રાજકોટ તા.૯, આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત સરદાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ અંતર્ગત નર્મદા કેવડીયા ખાતે યોજાનાર રાષ્ટ્રિય એકતા દિવસ પરેડ સહિત વિવિધ મહત્વની ગૌરવ રૂપ બાબતોના આવિષ્કાર માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ચાલુ માસના અંતમાં અર્થાત્ તારીખ ૩૦ અને ૩૧મીની મુલાકાત સંદર્ભે કેન્દ્રીયગ્રૃહ હોમ સેક્રેટરી અજિત ભલ્લા ગુજરાત દોડી આવ્યા છે.                  

સૂત્રોમાંથી સાપડતાં નિર્દેશ મુજબ કેન્દ્રિય ગૃહસચિવ દ્વારા નર્મદા ખાતે યોજાયેલ હાઈ લેવલની બેઠકમાં ગુજરાતના તંત્ર દ્વારા થયેલ કાર્યવાહી અંગેની માહિતી મેળવવા સાથે મહત્વના સૂચનો આપ્યા હતા અને તે સંદર્ભે માર્ગદર્શન પણ આપવામાં આવેલ.                                          

સૂત્રોમાંથી સાંપડતા વિશેષ નિર્દેશ મુજબ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા પણ જાતે બેઠકનું મહત્વ સમજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે યાદ રહે કે હર દ્વારમાં થતી ગંગા આરતી માફક તેજ તર્જ પર નર્મદા ઘાટ પર આરતી થાય તેવું અદભૂત આયોજન થયેલ છે તે આરતી દ્વારા નરેન્દ્રભાઇ પ્રારંભ કરાવશે. આ સહિત કેવડીયા ખાતે અન્ય કેટલાક આકર્ષણ ઉમેરાશે જે પણ શ્રી મોદી દ્વારા પ્રારંભ કરવામાં આવશે.                                        

 વડા પ્રધાનની મુલાકાત સંદર્ભે રાજ્ય પોલીસ તંત્ર સાથે ગુજરાતનું ગુપ્તચર તંત્ર પણ એકિટવ બન્યું છે. સૂત્રોના કથન મુજબ આઇબી વડા અનુપમ સિહ ગાહેલોત સેન્ટ્રલ આઇબી સાથે સતત સંકલન જાળવી રહ્યા છે, તેવો દ્વારા વડોદરા, નર્મદા યુનિટને પણ પ્રવર્તમાન સ્થિતિમાં એકિટવ કરી દેવામાં આવેલ છે.          

પીએમઓ દ્વારા સતાવાર કાર્યક્રમ મળવા સાથે જ વડા પ્રધાનની સુરક્ષા વ્યવસ્થા જાળવતા સોશ્યલ પ્રોટેકશન ગ્રુપ દ્વારા તુરત ગુજરાતની મુલાકાતે આવી સલામતી વ્યવસ્થાનું નીરિક્ષણ કરશે. 

(3:10 pm IST)