Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

દેશભરમાં કોલસા સહિત કાચા માલમાં તોતિંગ ભાવ વધારાની અસર સુરતમાં દેખાઇઃ પ્રોસેસિંગ જોબ ચાર્જમાં 10 થી 20 ટકા સુધીનો વધારો

તંગીના કારણે પ્રથમ વખત દિવાળીનું વેકેશન એક મહિનો ચાલશે

સુરત: સુરતમાં કાપડની પ્રોસેસિંગ મિલો એક મહિના સુધી બંધ રહેશે. કોલસા સહિતના કાચા માલની અછતથી તોતિંગ ભાવ વધારો ઝીંકાયો છે. જેથી એક નવેમ્બરથી 30 નવેમ્બર સુધી મિલો બંધ રાખવાનો સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિયેશને નિર્ણયો કર્યો છે. સાથે જ પ્રોસેસિંગ જોબ ચાર્જમાં પણ 10થી 20 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. કલર, કેમિકલ કોલ્ટિક સોડા, એસિટીક એસિડ, સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ સહિતના મટીરીયલ્સના ભાવમાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને કોલસાની તંગીથી સમસ્યા વધી ગઈ છે. જેથી પ્રથમવાર દિવાળી વેકેશન એક મહિનાનો રાખવાનો નિર્ણય કર્યો છે.

મોઁઘવારીમાં મિલ કેવી રીતે ચલાવવી

રો-મટીરીયલના ભાવમાં વધારો થવા લાગતા શહેરની મિલો બંધ થવા લાગી છે. શહેરમાં મિલો ચલાવવા માટેનો મોટો ઉપાય પ્રોસેસિંગના જોબ ચાર્જમાં ભાવ વધારો હોય તો જ મિલો હાલની મોંઘવારીમાં ચાલી શકે તેમ છે. શહેરમાં મિલ ચલાવવા માટે કોલસો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચીનમાં ક્રાઇસીસના કારણે ઇન્ડોનેશિયાથી આવતા કોલસાના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. કોલસાનો 1 ટનનો ભાવ 5 હજારથી 14 હજાર પર પહોંચી ગયો છે. ત્યારે કલર, કેમિકલ કોલ્ટિક સોડા, એસિટીક એસિડ, સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ સહિતના મટીરીયલ્સના ભાવમાં વધારો થયો છે. આવી જ રીતે ભાવો વધતા જશે તો હાલ લેવાતા પ્રોસેસિંગના જોબ ચાર્જના લીધે શહેરમાં ચાલતી મિલો બંધ કરવાના આરે આવી જશે એવું નિષ્ણાતો માની રહ્યાં છે.

પહેલીવાર સુરતમાં એક મહિનાનું વેકેશન

મોંઘવારીની સાથે સાથે મિલોને પણ ટકાવી રાખવા માટે પ્રોસેસિંગના જોબ ચાર્જમાં વધારો કરવો એ આવશ્યક છે. સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા તમામ પ્રોસેસર્સોએ જોબ ચાર્જમાં ભાવ વધારો કરવો જોઇએ માટેની સહમતિ આપી છે. જેથી 6 ઓક્ટોબરથી જ શહેરની મિલોમાં હાલ ચાલી રહેલ ભાવો કરતા 20 ટકા સુધી ભાવોમાં વધારો કરી જોબ ચાર્જ માટેનો ભાવ વધારો અમલમાં મૂકવામાં આવશે. ઉપરાંત પ્રથમવાર દિવાળી વેકેશન એક મહિનાનો રાખવા નિર્ણય કર્યો છે. 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી શહેરની મિલો પણ બંધ રહેશે.

સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, મિલોને ચલાવવા માટે મહત્વ ભાગ એવો કોલસો અને અન્ય કેમિકલના ભાવોમાં વધારો થવા લાગતા જો હવેના સમયમાં મિલો ચલાવવી હોય તો જોબ ચાર્જમાં ભાવ વધારા સિવાય બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. જો ભાવ વધારો કરાય તો મિલોને તાળા લાગી શકે છે. જેથી જોબ ચાર્જમાં ભાવ વધારો કરવો અનિવાર્ય છે સાથે એક મહિના સુધી 400 મિલો બંધ રાખવા નિર્ણય કરાયો છે.

(4:44 pm IST)