Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

આણંદ-બોરસદ રોડ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલ આયસર ટેમ્પાએ રાહદારીને હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત

આણંદ : આણંદ-બોરસદ રોડ ઉપર આવેલ વાંસખીલીયા ગામ નજીક ગતરોજ પુરપાટ ઝડપે જઈ રહેલ એક આયસર ટેમ્પાએ રાહદારીને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ થવાના કારણે રાહદારીનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ટેમ્પાચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણદ તાલુકાના વાંસખીલીયા ગામે રહેતા અમરભાઈ હેમાભાઈ તાવીયાઝ ગઈકાલ બપોરના સુમારે ઘરનો સરસામાન લઈને અંધારીયા ચકલા તરફથી ચાલતા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. દરમ્યાન પાછળથી પુરઝડપે આવી ચઢેલ એક આયસર ટેમ્પાના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી માર્ગ પરથી ચાલતા જઈ રહેલ અમરભાઈને અડફેટે લીધા હતા. ટેમ્પાની ટક્કર વાગતા અમરભાઈ ઉછળીને રોડ ઉપર પટકાયા હતા અને તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. 

દરમ્યાન આયસર ટેમ્પાનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ટેમ્પાની ટક્કરે ગંભીર રીતે ઘવાયેલ અમરભાઈને તુરંત જ સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર અર્થે નડીયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું કરૂણ મોત નીપજ્યું હતું. 

(6:14 pm IST)