Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

આણંદ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે બે કોમ્પ્લેક્ષમાં ઓચિંતાના છાપા મારી વિવિધ બ્રાન્ડની 146 ઘડિયાળનો જથ્થો જપ્ત કર્યો

આણંદ : સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ ગાંધીનગર અને એન્ટી પાયરસીની ટીમે ગઈકાલ સમીસાંજના સુમારે આણંદ શહેરના બે કોમ્પલેક્ષમાં ઓચિંતા છાપા મારી બે અલગ-અલગ દુકાનોમાંથી વિવિધ બ્રાન્ડની ૧૪૬ જેટલી નકલી ઘડિયાળોના જથ્થા સાથે બે દુકાનદારોને ઝડપી પાડયા હતા. બંને દુકાનદારોને આણંદ શહેર પોલીસ મથકના હવાલે કરાતા શહેર પોલીસે બંને વિરૂધ્ધ કોપીરાઈટ એક્ટના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ શહેરમાં નામાંકિત કંપનીની બનાવટી ઘડિયાળોનું વેચાણ થઈ રહ્યું હોવાની ગુપ્ત માહિતી એન્ટી પાયરસી ગુ્રપ સર્વિસ કંપનીના કર્મચારીને મળી હતી. જે અંગે એન્ટી પાયરસી દ્વારા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ પોલીસને જાણ કરાઈ હતી. દરમ્યાન ગઈકાલ સમીસાંજના સુમારે એન્ટી પાયરસી તથા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની ટીમે આણંદ ખાતે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. સાંજના સુમારે બંને ટીમો આણંદ શહેરના યા દાદા કોમ્પલેક્ષ ખાતે ત્રાટકી હતી. જ્યાં મીરાં પોઈન્ટ નામની દુકાનમાં તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની બનાવટી ઘડિયાળો મળી આવી હતી. જેથી પોલીસે દુકાનના સંચાલક રૈયાન આરીફભાઈ વ્હોરા (રહે.નૂતનનગર સોસાયટી, આણંદ)ની અટકાયત કરી હતી. ત્યારબાદ આ ટીમે સરવરી હાઈટ્સ ખાતે આવેલ એસ.એમ.એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં છાપો માર્યો હતો. જ્યાં દુકાનમાં તપાસ કરતા ત્યાંથી પણ બનાવટી ઘડિયાળનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દુકાનદાર સિરાજભાઈ ગનીભાઈ વોરા (રહે.નરસંડા)ની અટકાયત કરી બંને દુકાનોમાંથી કુલ્લે રૂા.૭,૩૨,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આણંદ શહેર પોલીસના હવાલે કરતા પોલીસે બંને દુકાનદાર વિરૂધ્ધ કોપીરાઈટ એક્ટના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:16 pm IST)