Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

હવે સાબરકાંઠાથી ઝડપાયો ડ્રગ્સ જથ્થો : 30 લાખના ડ્રગ્સ સાથે એકની ધરપકડ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન, મહેસાણા બાદ હવે સાબરકાંઠામાંથી 30 લાખના ડ્રગ્સ સાથે હિમતનગરના ઈરશાદખાન પઠાણની ધરપકડ

અમદાવાદ : હજુ ત્રણ દિવસ પહેલા જ કાલુપુર રેલવે સ્ટેશનથી સવા કરોડની કિમતનું ડ્રગ્સ પકડાયાની શાહી સુકાઈ નથી,ત્યાંજ સાબરકાંઠા વિસ્તારમાંથી વધુ 30 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. રૂપિયા 30 લાખના ડ્રગ્સ સાથે હિમતનગરના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતમાં ડ્રગ્સના બંધાણીઓને માલ સપ્લાય કરવાનો કાળો કારોબાર તેજીથી વિકસ્યો હોય તેમ કચ્છના મુંદ્રા બંદર બાદ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન, મહેસાણા બાદ હવે સાબરકાંઠામાંથી રૂપિયા 30 લાખના ડ્રગ્સ સાથે હિમતનગરના ઈરશાદખાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. માત્ર 26 જ વર્ષનો ઈરશાદ મોતીપુરાથી અમદાવાદ આવી રહ્યો હતો તે દરમિયાન પીપલોદી ગામેથી ઝડપાઈ ગયો હતો. ઈરશાદ ખાન ડ્રગ્સનો કેરિયર છે? ડ્રગ્સનો સપ્લાય કોણે કરવાનો હતો ? ડ્રગ્સ ક્યાંથી લાવ્યો જેવા કેટલાય સવાલો હવે પોલીસ તપાસમાં આવશે. આ પરથી ગુજરાતના ખૂણે-ખૂણે ડ્રગ્સ પહોચાડવા કોણે સોપારી લીધી છે.તેના નેટવર્કનો પર્દાફાશ થઇ શકે તેમ છે.

ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થો ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે. રાજ્યના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ ચાલી રહ્યું છે. થોડા દિવસ અગાઉ કચ્છના મુન્દ્રા બંદર પર અંદાજે 3 હજાર કિલો હિરોઈન ઝડપાયું હતું. તો 2 દિવસ અગાઉ અમદાવાદથી MD ડ્રગ્સ સાથે 3 શખ્સોની અટકાયત કરાઈ હતી. તેવામાં હવે મહેસાણાથી 15 કિલો ચરસ ઝડપાયું હતું. મહેસાણાના ફતેપુરા સર્કલ પાસેથી ટ્રાફિક પોલીસના ચેકિંગમાં કારમાંથી 15 કિલોથી વધુ ચરસ ઝડપાયું છે. કારમાં ચરસ સાથે 3 શખ્સો પણ ઝડપાયા હતા. ટ્રાફિક પોલીસે SOG અને LCBને આ અંગે જાણ કરતા SOG અને LCB પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી.

(11:34 pm IST)