Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

યાત્રાધામ બેચરાજી, ચોટીલા, દ્વારકા, પાવાગઢ અને ડાકોરમાં ભાજપની જીત જયારે સોમનાથ અને અંબાજીમાં કોંગ્રેસ

કોંગ્રેસનો ગઢ ગણાતા ઠાસરા-ડાકોર મત વિસ્‍તારમાં ભાજપની એન્‍ટ્રી

નવી દિલ્‍હી, તા.૯: ગુજરાતમાં ભાજપની ભગવી બ્રિગેડનો ગુજરાતમાં ભવ્‍ય વિજય થયો છે. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માંથી ભાજપને ૧૫૬ બેઠકો મળી રહી છે જયારે કોંગ્રેસ ૧૭ બેઠકો પર સમેટાઇ રહી છે. જો કે ગુજરાતના જાણીતા મુખ્‍ય ધાર્મિક તીર્થ સ્‍થળોમાં સોમનાથ અને દાંતા-અંબાજીમાં કોંગ્રેસને સફળતા મળી છે. જયારે બેચરાજી, દ્વારકા, ડાકોર, પાવાગઢ અને પાલિતાણામાં તીર્થ સ્‍થળો ધરાવતી બેઠકો ભાજપે જીતી લીધી છે.

સોમનાથઃ સૌરાષ્‍ટ્રમાં દરિયાકાંઠે આવેલા પ્રસિધ્‍ધ યાત્રાધામ સોમનાથનો સમાવેશ થાય છે એ સોમનાથ વિધાનસભા બેઠક કોંગ્રેસે જીતી છે. કોંગ્રેસના વિમલભાઇ ચુડાસમાએ માત્ર ૯૨૨ મતોથી ભાજપના માનસિંગભાઇ પરમારને પરાજય આપ્‍યો છે. ૨૦૧૭માં વિમલ ચુડાસમાએ ભાજપના જશાભાઇ બારડને ૨૦ હજારથી વધુ મતોથી હરાવ્‍યા હતા એ જોતા લીડ ઘટી છે. છેક સુધીના રસાકસી ભરી રહેલી  બેઠક છેવટે જાળવી રાખી છે.

દાંતા -અંબાજીઃ દાંતા વિધાનસભા બેઠકમાં શકિતપીઠ અંબાજીનો સમાવેશ થાય છે. આ તીર્થમાં લાખો શ્રધ્‍ધાળુઓ પગપાળા યાત્રા કરે છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કાંતિભાઇ ખરાડી અને ભાજપના લાધુભાઇ પારધી વચ્‍ચે મુકાબલો હતો.  કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારને ૬૩૨૭ મતોથી પરાજય આપીને બેઠક જાળવી રાખી છે. ગત ૨૦૧૭ની ચૂંટણીમાં કાંતિ ખરાડીએ ભાજપના માલજી કોદારવીને ૨૫ હજારથી વધુ મતોની સરસાઇથી હરાવ્‍યા હતા. એ જોતા દાંતા બેઠક પર કોંગ્રેસના વિજેતા ઉમેદવારની લીડમાં ઘરખમ ઘટાડો થયો છે.

ચોટીલાઃ સુરેન્‍દ્રનગર જિલ્લામાં દસાડા,ધ્રાંગધા ઉપરાંત ચોટીલા બેઠક પણ ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. ચોટીલા પહાડ પર આવેલા ચામુંડા માતાજીના તીર્થ સ્‍થળ તરીકે વિખ્‍યાત છે. આ ચોટીલા વિધાનસભા બેઠક પર ભાજપના શામજીભાઇ ચૌહાણે આમ આદમી પાર્ટીના રાજુભાઇ કરપડાને ૨૫૬૪૨ મતોથી પરાજય આપ્‍યો છે. આ બેઠક ૨૦૧૭માં કોંગ્રેસના ઋત્‍વીક મકવાણાએ જીતી હતી જે આ વખતે ત્રીજા ક્રમે ધકેલાયા છે.

દ્વારકાઃ દરિયાકાંઠે  દ્વારકાધીશની નગરી તરીકે જાણીતા  દ્વારકાની  વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. આ ગઢને ભાજપે જાળવી રાખ્‍યો છે. ભાજપના પબુભા માણેકે મુળુભાઇ રમણભાઇ આહિરને ૫૩૨૭ મતોથી પરાજય આપ્‍યો છે. ગત ૨૦૧૭ની ચૂંટણીમાં પણ ભાજપના પબુભા માણેક ૫ હજાર આસપાસ મતોથી જીત્‍યા હતા. ભાજપના ઉમેદવારની વિજય સરસાઇ પાતળી રહે છે પરંતુ લોકપ્રિયતાના આધારે બેઠક જરુર જાળવી રાખે છે.

બહુચરાજીઃ ઉત્તર ગુજરાતમાં શકિતપીઠ તરીકે જાણીતા બહુચરાજી માતાજીના મંદિર માટે પ્રખ્‍યાત બેચરાજી બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. ભાજપના સુખાજી ઠાકોરે કોંગ્રેસના અમળતજી (ભોપાજી) ઠાકોરને ૧૧૨૮૬ મતોથી પરાજય આપ્‍યો છે. ગત ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ભરતજી ઠાકોર વિજેતા બન્‍યા હતા. આ વખતે જ્ઞાાતિના સમિકરણો બેસાડવા કોંગ્રેસ અને ભાજપે ઠાકોર સમૂદાયના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. ધાર્મિક સ્‍થળ બેચરાજી વિધાનસભા બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે.

ઠાસરા (ડાકોર): ડાકોરના ઠાકોર તરીકે પ્રસિધ્‍ધ ભગવાન શ્રી કળષ્‍ણના તીર્થ સ્‍થળ ડાકોરનો સમાવેશ ઠાસરા વિધાનસભામાં થાય છે. આ બેઠકને ઠાસરા-ડાકોર તરીકે પણ ઉલ્લેખવામાં આવે છે. આ બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ રહયો છે પરંતુ આ વખતે ભાજપે ગઢ તોડીને વિજય પ્રવેશ કર્યો છે. બકાભાઇ તરીકે ઓળખાતા ભાજપના યોગેન્‍દ્રસિંહ પરમારે કોંગ્રેસના કાંતિભાઇ પરમારને ૬૧૯૧૯ મતોથી પરાજય આપીને ઇતિહાસ રચ્‍યો છે.

હાલોલ (પાવાગઢ): વિશ્વ વિરાસત તરીકે જેનો સમાવેશ થાય છે એ પાવાગઢ મધ્‍ય ગુજરાતમાં આવેલું અતિ મહત્‍વનું તીર્થ સ્‍થળ છે. મહાકાળી મંદિરના દર્શને લાખો ભકતો આવે છે. પાવાગઢ તીર્થનો જેમાં સમાવેશ થાય છે તે હાલોલ બેઠક પર ભાજપના જયદ્રથસિંહ પરમારનો વિજય થયો છે. તેમણે અપક્ષ રામચંદ્ર બારૈયાને ૪૨૭૦૫ મતની મોટી સરસાઇથી પરાજય આપ્‍યો છે. જયારે કોંગ્રેસ ત્રીજા સ્‍થાને ધકેલાઇ છે.

(10:21 am IST)