Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભાજપને ૧.૬૭ કરોડ મત મળ્‍યા : કોંગ્રેસને કુલ ૮૬.૮૩ લાખ

ગુજરાતમાં ૩.૧૩ કરોડ લોકોએ કર્યું મતદાન

નવી દિલ્‍હી તા. ૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે. આ તરફ હવે ગુજરાતમાં કયા પક્ષને કેટલા મત મળ્‍યા તેના આંકડા સામે આવ્‍યા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ના પ્રથમ અને બીજા એટલે કે બે તબક્કાના મતદાનમાં ગુજરાતમાં ૩.૧૩ કરોડ મતદાન કર્યું હતું. જેમાંથી સૌથી વધુ ભાજપને ૧.૬૭ કરોડ મત મળ્‍યા છે. તો બીજા નંબર પર કોંગ્રેસને કુલ ૮૬.૮૩ લાખ મળ્‍યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં યુવા-વૃદ્ધો સાથે પુરૂષ અને સ્ત્રી મળીને કુલ ૩.૧૩ કરોડ લોકોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં સૌથી વધુ મતભાજપને મળ્‍યા છે. ભારતીય જનતા પાર્ટીને ૧.૬૭ કરોડ મત મળ્‍યા છે. જોકે ૧.૬૭ કરોડ મત સાથે ભાજપનો વોટ શેર ૫૨.૫૦ ટકા થયો છે. આ તરફ સૌથી વધુ મત ભાજપને મળ્‍યા બાદ કોંગ્રેસ બીજા સ્‍થાને છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને કુલ ૮૬.૮૩ લાખ મળ્‍યા છે. જેને લઈ હવે કોંગ્રેસનો વોટશેર ૨૦૧૭ કરતા ઘટીને ૨૭.૩૦ ટકા થયો છે.

મહત્‍વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે અને મોટો ફટકો કેજરીવાલની આમ આદમી પાર્ટીને પડ્‍યો છે. ૧૮૨ બેઠકો પર ઉમેદવારો ઉતારીને જીતીને ગુજરાતમાં સરકાર બનાવવાનું સપનું જોઈ રહેલી આમ આદમી પાર્ટી ભાજપની આંધીમાં એવી તો ઉડી ગઈ કે ઊભી થાય તેવી હાલતમાં રહી નથી.

ગુજરાતમાં ભાજપની આંધીમાં ૧૨૮ ઉમેદવારોને કમરતોડ ફટકો પડ્‍યો હતો અને થોડાઘણા વોટ મેળવવાની વાત તો બાજુએ રહી ડિપોઝીટ સુદ્ધા ગુમાવવાનો વારો આવ્‍યો હતો. આમ આદમી પાર્ટીને લાગેલો આ તગડો ફટકો છે.

ગુજરાત ચૂંટણીમા કોંગ્રેસને પણ કંઈ ઓછું નુકશાન નથી વેઠવું પડ્‍યું. કોંગ્રેસ ફક્‍ત ૧૭ બેઠકો પર સમેટાઈ ગઈ છે પરંતુ તેનાથી ચોંકાવનારી વાત એ છે કે તેના ૪૪ ઉમેદવારો એક સિંગલ વોટ પણ મેળવી શક્‍યા નથી અને ડિપોઝીટ ગુમાવીને દઈને રહ્યાં.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ફક્‍ત ૫ બેઠકોથી સંતોષ માનવો પડ્‍યો છે. બોટાદ, ગારિયાધર, ડેડિયાપાડા, વિસાવદર અને જામજોધપુર બેઠક પરથી આપના ઉમેદવારોએ જીત મેળવી છે. સરવાળે, ગુજરાતમાં સરકાર બનાવવાનું આમ આદમી પાર્ટીનું સપનું ચકનાચૂર થયું છે.

(10:28 am IST)