Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ગુજરાતમાં રેકોર્ડ જીત પછી વિપક્ષની સામે સૌથી મોટું સંકટ

વિધાનસભામાં વિપક્ષના નેતાને તે પક્ષનો ધારાસભ્‍ય બનાવી શકાય છે જેની પાસે કુલ ૧૮૨ બેઠકોમાંથી ઓછામાં ઓછા ૧૦ ટકા એટલે કે ૧૮ ધારાસભ્‍યો હોય : કઈ રીતે બનશે વિપક્ષના નેતા? કોઈપણ પક્ષને ઔપચારિક રીતે વિરોધ પક્ષના નેતાનો દરજ્જો મેળવવા માટે જરૂરી સંખ્‍યામાં બેઠકો મળી નથી

નવી દિલ્‍હી,તા.૯: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી, કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્‍વમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ગુજરાત ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત અપાવી છે. પરંતુ આ જંગી જીતના કારણે ગુજરાતમાં મોટું સંકટ ઊભું થયું છે. અહીં, કોઈપણ પક્ષને ઔપચારિક રીતે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનો દરજ્જો મેળવવા માટે જરૂરી સંખ્‍યામાં બેઠકો મળી નથી. આવી સ્‍થિતિમાં સવાલ એ છે કે તેઓ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કેવી રીતે બનશે? નોંધનીય છે કે ૩૩ માંથી ૨૧ જિલ્લામાં કોંગ્રેસનો એકપણ ધારાસભ્‍ય બન્‍યો નથી.

ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે ભાજપે ૧૮૨માંથી ૧૫૬ બેઠકો જીતી છે. તેને ૨૦૧૭ની સરખામણીમાં ૫૮ બેઠકોનો ફાયદો થયો છે. તે જ સમયે, કોંગ્રેસને સૌથી વધુ ૬૦ બેઠકોનું નુકસાન થયું છે. સત્તાવાર રીતે, તે પક્ષને વિપક્ષના નેતા બનવાની તક મળે છે, જેની પાસે ઓછામાં ઓછી ૧૦ ટકા બેઠકો હોય.

ચૂંટણીના આંકડા મુજબ કોંગ્રેસ પાર્ટીએ ગત વખતે ૭૭ બેઠકો જીતી હતી. આ વખતે તેને માત્ર ૧૭ બેઠકો મળી છે. આ જંગી જીત સામે તમામ રેકોર્ડ ધ્‍વસ્‍ત થઈ ગયા છે, તેથી ગુજરાતમાં વિપક્ષો પર સૌથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં વિરોધ થશે, પરંતુ તે સંખ્‍યાની દૃષ્ટિએ બહુ ઓછી હશે. લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા મહત્‍વની હોય છે. સારા આંકડાઓ પણ વિપક્ષને મજબૂત બનાવે છે. વિપક્ષના નેતાનો દરજ્જો મહત્‍વનો છે કારણ કે તે ઘણી સમિતિઓમાં સામેલ છે.

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાને તે પક્ષનો ધારાસભ્‍ય બનાવી શકાય છે જેની પાસે કુલ ૧૮૨ બેઠકોમાંથી ઓછામાં ઓછા ૧૦ ટકા એટલે કે ૧૮ ધારાસભ્‍યો હોય. કોંગ્રેસ ગુજરાતમાં માત્ર ૧૭ બેઠકો જીતી શકી છે. આવી સ્‍થિતિમાં વિધાનસભા અધ્‍યક્ષની સંમતિથી જ અહીં વિપક્ષના નેતાની પસંદગી થઈ શકે છે. પીએમ નરેન્‍દ્રભાઇ મોદી અને કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જીતનું એવું ઉદાહરણ રજૂ કર્યું છે, જેને તોડવું અશક્‍ય છે. ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલને મોટા પડકારોનો સામનો કરવો પડશે અને જંગી જીત બાદ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું દબાણ રહેશે. સત્તાવાર રીતે કહીએ તો ગુજરાતમાં આવી જીત બાદ દેશભરમાં મોટો સંદેશ ગયો છે. અહીં કોંગ્રેસનું પ્રદર્શન ઈતિહાસમાં અત્‍યાર સુધીનું સૌથી ખરાબ રહ્યું છે. નૈતિક જવાબદારી લેતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

(10:44 am IST)