Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

એકતાનગરમાં ૪૫ મી એસઓજીઓજી પરિષદનો આજથી થનારો પ્રારંભ

-રાજ્યના નામાંકીત ૬૦૦ થી વધુ પ્રસૂતિ અને સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબો પ્રસૂતા અને નવજાત શિશુ મરણ દર ઘટાડવા સહિત મહિલા આરોગ્ય સુરક્ષાના તબીબી ઉપાયોનો કરશે પરામર્શ : સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહેલીવાર તબીબી મંડળ દ્વારા તબીબી પરિષદનું આયોજન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :શૈક્ષણિક મહાસત્ર રૂપે અમદાવાદ ઓબસ્ટ્રેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ સોસાયટી- એઓજીએસ દ્વારા એસઓજીઓજી ના છત્ર હેઠળ વિશ્વની સૌથી ઉંચી સરદાર પ્રતિમાના સાનિધ્યમાં એકતાનગર (કેવડિયા) ખાતે આવતીકાલ શનિવારથી તા.૧૧ મી સુધી, રાજ્યના પ્રસૂતિ અને સ્ત્રીરોગ નિષ્ણાત તબીબોના શૈક્ષણિક મહાસત્રનો પ્રારંભ થશે.

આ સત્રમાં રાજ્યના ૬૦૦થી વધુ નામાંકીત તબીબો ભાગ લેશે.કદાચ સ્ટેચ્યુ પરિસરમાં પહેલીવાર તબીબી વ્યવસાયિકોના મંડળ દ્વારા આ પ્રકારની ઉચ્ચસ્તરીય તબીબી પરિષદ યોજાઈ છે જેમાં પ્રસૂતા માતાઓ અને નવજાત શિશુઓમાં મરણ દર ઘટાડવા સહિત મહિલા આરોગ્ય સુરક્ષાના તબીબી ઉપાયોનો પરામર્શ થશે.આદર્શ લોકો માટે આદર્શ સ્થળે આદર્શ પાઠશાળા રૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

   પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિષયક સૌથી મુંઝવતા પ્રશ્નો અને સમસ્યાઓની આ પરિષદમાં વિવિધ મંચો પર પરામર્શ અને ચર્ચા કરવામાં આવી રહી છે એવી જાણકારી આપતા એઓજીએસ ના પ્રમુખ  અને એસઓજીઓજી ના આયોજન અધ્યક્ષ ડો.કામિની પટેલે જણાવ્યું કે, પરિષદમાં માતૃ મરણ દર અને પ્રસૂતિ પછી નવજાત શિશુઓના મરણ દરમાં ઘટાડા જેવી બાબતો માટે કેન્દ્રિત પ્રયાસો કરીને ગુજરાતના લોકોની આરોગ્ય સુરક્ષામાં યોગદાન આપવાનો અમારો આશય છે.
  આ ત્રિ-દિવસની પરિષદના ભાગરૂપે એસઓયુ -પરિસરમાં જુદાં જુદાં ત્રણ સ્થળોએ  તમામ અગત્યના વિષયો અને ચર્ચાઓને આવરી લેતું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અને રજ્યસ્તરની નિપૂણ ફેકલ્ટીઝ તેનું મોનીટરીંગ કરશે.
ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ મુખ્ય મહેમાન તરીકે તથા સરદાર સરોવર નર્મદા નિગમના નિયામક પાર્થિવ વ્યાસ પરિષદમાં જોડાશે. રાજ્ય સરકારના મહિલા અને બાળ આરોગ્ય વિભાગના મહાનુભાવો તેમના સંબંધિત કાર્યક્રમો અંગે તેમાં જાણકારી આપશે.
  પ્રસૂતિ અને સ્ત્રી રોગને લગતા ઔષધોના ક્ષેત્રમાં નવા ઉત્પાદનો અને પ્રવાહોથી તબીબોને વાકેફ કરવા કંપનીઓ આ પરિષદમાં તેની ઝાંખી કરાવશે. ડો.કામિની પટેલના નેતૃત્વ હેઠળ એઓજીએસ ની ટીમ,સમગ્ર ટીમના સહયોગથી આ વાર્ષિક એસઓજીઓજી પરિષદ યોજી રહી છે. આવતીકાલ તા.૧૦ મી ડિસેમ્બર,૨૦૨૨ ને શનિવારના રોજ સાંજના ૭:૦૦ વાગ્યે એસઓયુ -ટેન્ટસીટી નં-૨ ખાતેના કોન્ફરન્સ હોલમાં પરિષદનો પ્રારંભ થશે અને તા.૧૧ મી ડિસેમ્બરના રોજ એ જ સ્થળે બપોરના ૧૨:૩૦ કલાકે તેનું સમાપન સત્ર રાખવામાં આવ્યું છે.

(10:30 pm IST)