Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજયના અધ્યાપકો અને કર્મચારીઓને બે માસમાં પેન્શન ચૂકવવા હાઇકોર્ટના નિર્દેશનો અમલ કરો : સુપ્રિમ કોર્ટનો આદેશ

નોન પેન્શનર અધ્યાપકોની તરફેણમાં નિર્ણય સુપ્રીમકોર્ટ દ્વારા યથાવત રખાયો :ગુજરાત સરકારની અપીલ રદ

અમદાવાદ :રાજયના અધ્યાપકો અને કર્મચારીઓને બે માસમાં પેન્શન ચૂકવવાનું શરૂ કરવા અને એરિયર્સની રકમ ચૂકવવાનો આદેશ હાઈકોર્ટે કર્યો હતો. આ હુકમ સામે ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પીટીશન કરી હતી. આ પિટિશન સુપ્રિમ કોર્ટના જસ્ટીસ ડી. વાય. ચંદ્રચુડ અને જસ્ટીસ એ. એસ. બોપન્નાએ રદ કરવાનો હુકમ કર્યો હતો. તેની સાથે સુપ્રિમ કોર્ટે એવો પણ આદેશ કર્યો છે કે ગુજરાતની હાઈકોર્ટે કરેલા આદેશનું સંપૂર્ણપણે તાત્કાલીક અમલ કરવામાં આવે.

સને 1991થી ગુજરાતના અધ્યાપકો અને કર્મચારીઓએ પેન્શન યોજના ચાલુ રાખવાની માંગણી કરી હતી. સરકારે એક યા બીજી રીતે તેનો અમલ ચાલુ રાખવાનું ટાળ્યું હતુ. 1991માં સરકારે આપેલો વિકલ્પ ટૂંકા ગાળાનો અને પેન્શન યોજના બાબત” જેવા સ્પષ્ટ ઉલ્લેખ કર્યા વિનાનો હોવાથી અને સૌ લાગતા વળગતા કર્મચારીઓને તેની વિગતો પહોંચાડી શકાઇ ન હતી. જેથી તેનો લાભ 99 % કર્મચારીઓ લઇ શકયા ન હતા.

પેન્શન બાબતનો નિર્ણય કરવા અને અભિપ્રાય આપવા માટે ગુજરાત સરકારે માવાણી કમિશનની નિમણુંક કરી હતી. કમિશનના દસ સભ્યોમાં ગુજરાતની યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓ, કેબીનેટ સેકેટરીઓ, ફેડરેશનના હોદ્દેદારો અને કેળવણીકારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. માવાણી કમિશને અધ્યાપકો અને કર્મચારીઓને પેન્શનનો એક વધુ વિકલ્પ આપવાની સ્પષ્ટ ભલામણ કરી હતી. પરંતુ ગુજરાત સરકારે તે ભલામણનો અમલ કર્યો ન હતો. જેથી અધ્યાપકો અને કર્મચારીઓએ સરકારને લેખિત અને મૌખિક રીતે અનેક વખત રજુઆત કરી હતી. પરંતુ સરકારને સમજાવવાના સર્વ પ્રયત્નો નિષ્ફળ જવાથી અધ્યાપકો અને કર્મચારીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેનો સર્વ પ્રથમ ચૂકાદો 2007 હાઇકોર્ટે ગુજરાત સરકારને સમગ્ર બાબતની પુનઃવિચારણા કરી યોગ્ય કરવા જણાવ્યું હતું. પરંતુ ગુજરાત સરકારે આ બાબતનો કોઇ જ હકારાત્મક પ્રતિસાદ આપ્યો ન હતો.

ત્યારબાદ બે વર્ષ કરતાં વધુ સમય નિરર્થક ગયા બાદ પુનઃસંગઠીત થઇ અધ્યાપકોએ 2008માં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેનો ચૂકાદો 2017માં ન્યાયમૂર્તિ જે.બી પારડીવાલાએ આપ્યો હતો. જેમાં સ્પષ્ટપણે ગુજરાતના અધ્યાપકો અને યુનિવર્સિટી અને કોલેજના કર્મચારીઓને પેન્શનના બધા જ લાભો અને 9 % વ્યાજ સાથે એરિયર્સની રકમની ચૂકવણી કરવાનો ઓર્ડર કર્યો હતો.

આ હુકમની સામે ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટમાં જ LPA(લેટર્સ પેટન્ટ અપીલ) કરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત દવે અને જસ્ટીસ બીરેન વેષ્ણવની ખંડપીઠે આ લેટર્સ પેટન્ટ અપીલ 2019માં કાઢી નાંખી હતી. અને ગુજરાત રાજયના અધ્યાપકો અને કર્મચારીઓને બે માસમાં પેન્શન ચૂકવવાનું શરૂ કરવા અને એરિયર્સની રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો.

હાઇકોર્ટના હુકમ બાદ પણ સરકારે તેનો અમલ કર્યો નહિ હોવાથી ગુજરાતના “ટીચીંગ અને નોન ટીચીંગ નોન પેન્શનર્સ એસોસિયેશન” દ્વારા સુપ્રિમ કોર્ટમાં ગુજરાત સરકારના સંભવિત પગલાં વિચારી સુપ્રિમ કોર્ટમાં કેવિયેટ અરજી દાખલ કરવામાં આવી હતી. ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પીટીશન કરી ત્યારે તે અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવી કે નહીં તે બાબતની સુનાવણી થઇ હતી. પ્રસ્તુત દરખાસ્ત સુપ્રિમ કોર્ટના જસ્ટીસ ડી. વાય. ચંદ્રચુડ અને જસ્ટીસ એ. એસ. બોપન્નાની બેન્ચે ડીસમીસ કરી હતી. સુપ્રિમ કોર્ટે એવો પણ આદેશ કર્યો છે કે ગુજરાતની હાઈકોર્ટે કરેલા આદેશનું સંપૂર્ણપણે તાત્કાલીક અમલ કરવામાં આવે.

ગુજરાતના નોન પેન્શનર્સ એસાસિયેશનનો આ કેસમાં સુપ્રિમ કોર્ટના સિનિયર એડવોકેટ દુષ્યત દવે, સિનિયર એડવોકેટ એહમદી અને સિનિયર એડવોકેટ અમરનાથ ગુપ્તાએ ધારદાર રજૂઆતો કરી હતી.

સુપ્રિમ કોર્ટના ચુકાદાનો 586 પીટીશર્નને પેન્શનના લાભો પ્રાપ્ત થશેગુજરાતના નોન પેન્શનર્સ એસાસિયેશનના સંયોજક પ્રા.જી.વી.પંડ્યાએ વધુમાં જણાવ્યું છે કે, સુપ્રિમ કોર્ટના આ ચૂકાદાથી 586 પીટીશર્નને પેન્શનના લાભો પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન આ કેસ સાથે સંકળાયેલ 130 થી વધુ કર્મચારીઓ મૃત્યુ પામેલ છે, બાકી રહેલા કર્મચારીઓની સરેરાશ ઉમર 75 થી 80 વર્ષની છે અને તેમની માનસિક અને શારીરિક સ્થિતિ દયનીય હોવાથી ગુજરાત સરકાર સુપ્રિમ કોર્ટના આદેશનું વિના વિલંબે અમલ કરે એવી લાગણી સમગ્ર કર્મચારીઓમાં પ્રવર્તે છે.

(11:55 pm IST)