Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજ્યમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી : બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે

હવામાન વિભાગ મુજબ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં ઠંડી વધશે

અમદાવાદ : રાજ્યમાં આગામી બે દિવસમાં હવામાન વિભાગે(IMD) કોલ્ડ વેવની આગહી કરી છે . જેમાં ઉત્તર ભારતના પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. પહાડોમાં ભારે બરફવર્ષાને પગલે ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની આગાહી છે.

હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. બનાસકાંઠા અને પાટણના સરહદી રણ વિસ્તારમાં હાડ થિજાવતી ઠંડી પડશે.

હવામાન વિભાગે જણાવ્યું છેકે રાજ્યમાં ઠંડીનો (COLD) ત્રીજો રાઉન્ડ શરૂ થશે. રાજ્યમાં લઘુતમ તાપમાન 3થી 5 ડિગ્રી ઘટ્તા ઠંડીનું (COLD) પ્રમાણ વધશે તેવું પણ હવામાન વિભાગે ઉમેર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત ઠંડી વધશે.

નોંધનીય છે કે 5-6 જાન્યુઆરીના રોજ પણ રાજયભરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. અને, પાંચમી અને છઠ્ઠી જાન્યુઆરીના રોજ કેટલીક ઠેકાણે વરસાદી માહોલ પણ છવાયો હતો. જેને કારણે ભરશિયાળે ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો. તો વરસાદને કારણે ઠંડીનો પણ ચમકારો રહ્યો હતો. અને, ગુજરાત ઠંડીમાં ઠુઠવાયું હતું.

ત્યારે ફરી રાજયમાં વરસાદની આગાહીને કારણે ખેડૂતો પર માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. અને, ફરી વરસાદ અને ઠંડીનો સમન્વય સહન કરવા પ્રજાએ તૈયાર રહેવું પડશે. આ વરસે શિયાળામાં માવઠું પડવાનો ક્રમ વધી ગયો છે. જે વૈશ્વિક વાતાવરણમાં થતા બદલાવની ચાડી ખાય છે.

(10:47 pm IST)