Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કોઈ પણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સર્વ પ્રકારે સક્ષમ છે :મંત્રી જીતુભાઈ વાઘાણી

કોરોનાનો સામનો કરવા માટે મુખ્ય મંત્રીએ પ્રત્યેક જિલ્લામાં કરેલી પ્રભારી સચિવની નિમણૂક- સ્વદેશી રસીથી કોરોના સામે રક્ષણ મેળવીને વડાપ્રધાને વિશ્વને કરાવેલું ભારતની તાકાતનું દર્શન

રાજકોટ :રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તથા રાજ્યના શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી બાબતોના મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સર્વ રીતે સક્ષમ છે.

  રાજકોટ જિલ્લાની કોરોના સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજકોટ આવી પહોંચેલા મંત્રી જીતુભાઈએ જણાવ્યું હતું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલે  રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂક કરી છે,જે અન્વયે તમામ પ્રભારી સચિવો તેમના સંબંધિત જિલ્લાઓની મુલાકાત લઈને કોરોનાની પરિસ્થિતિનું સમગ્રતયા આકલન કરી રહ્યા છે.રાજ્ય સરકારે જિલ્લા વહીવટી તંત્રને જરૂરિયાત મુજબનો સ્ટાફ ફાળવવા માટેના અધિકારો આપ્યા છે. નાગરિકોની સલામતીની તમામ વ્યવસ્થા માટે પોલીસ વિભાગ સતત કાર્યરત છે. પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ સગૌરવ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના "આત્મનિર્ભર ભારત" અંતર્ગત આપણા જ દેશમાં બનેલી કોરોના વિરોધી રસીથી કોરોના સામે રક્ષણ મેળવીને દુનિયાને ભારતની તાકાતનું દર્શન કરાવ્યું છે. કોરોનાનો સામનો કરવા માટેનો  શ્રેષ્ઠ ઉપાય વેક્સિનેશન જ છે, આથી નાગરિકોને મહત્તમ વેક્સિનેશન કરાવવા મંત્રીએ ખાસ અપીલ કરી હતી.
રસીકરણના પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકા અને બીજા ડોઝમાં ૯૦ % ની સિધ્ધિ હાંસલ કરવા બદલ મંત્રી વાઘાણીએ જિલ્લા વહીવટીતંત્ર તથા રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતા. ૧૫ થી ૧૮ વર્ષ ના રાજકોટ ગ્રામ્યના ૯૫ હજાર અને શહેરના ૮૩ હજાર બાળકોને ૮૦ ટકાથી વધુ રસીકરણ કરવા બદલ આરોગ્ય વિભાગની પણ મંત્રી વાઘાણીએ સરાહના કરી હતી.
મંત્રી વાઘાણીએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા ૮૩૨૦ બેડ તાત્કાલિક ધોરણે તૈયાર કરવાના આદેશો અપાયા છે, જે પૈકી ૬૩૦૦ બેડ હાલ ઉપલબ્ધ છે. રાજકોટ ખાતે ૧૫.૬ મેટ્રિક ટનની ક્ષમતાવાળી ૨૪ ઓક્સિજન ટેન્ક પણ તૈયાર કરવામાં આવી છે, જેથી કોરોનાની ત્રીજી લહેર બાબતે કોઈ પણ પ્રકારના સાધનોની કે સુવિધાની અછત ન સર્જાય.મનુબેન ઢેબરભાઈ સેનેટોરીયમમાં ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે આવનારા ૧૦ થી ૧૫  દિવસો દિવસોમાં આરોગ્ય વિભાગની ૪૧૧ ટીમ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે-ઘર સર્વે કરીને લોકોને કોરોના સામે રક્ષણ પૂરું પાડશે. આ માટે ૧૦૦ ધન્વંતરી રથ તથા ૫૦ સંજીવની રથને કાર્યરત કરવામાં આવ્યા છે. લોકોને તાવ-શરદી-નબળાઈ જેવા કોઈ પણ લક્ષણો જણાય તો  તરત જ ટોલ ફ્રી નંબર ૧૦૭૫ પર સંપર્ક કરવા મંત્રી વાઘાણીએ અનુરોધ કર્યો હતો. કોરોનાથી બાળકોને બચાવવા માટે ઠંડા પીણા અને ઠંડી વસ્તુઓ ન આપવા મંત્રીએ ખાસ ભાર મુક્યો હતો.
 મંત્રીશ્રીએ નાગરિકોને આશ્વસ્ત કરતાં જણાવ્યું હતું કે કોરોનાનો ઓમીક્રોન વેરીયન્ટ જરા પણ ઘાતક નથી. માત્ર સાત જ દિવસની ઘરગથ્થુ સારવારથી આ રોગથી બચી શકાય છે.
 રાજકોટના નાગરિકોને પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી safe rajkot એપ ડાઉનલોડ કરવા મંત્રી જીતુભાઈએ હિમાયત કરી હતી્ કોરોના અંગેની રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓનુ પાલન કરવા તથા જાગૃત બનવા અને કોરોનાના લક્ષણો જણાયે તાત્કાલિક ટ્રીટમેન્ટ લેવા મંત્રીએ નાગરિકોને જણાવ્યું હતું. આ રોગનો ફેલાવો અટકાવવા તેની ચેઈન તોડવા માટે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. રાજ્ય સરકાર જનતાની સેવા કરવા સદૈવ તત્પર છે. આપણે આપણા પરિવારનું- સમગ્ર સમાજનું ધ્યાન રાખવા કમર કસવી પડશે અને રાજ્ય સરકારની વેક્સિનેશન ડ્રાઈવમાં જોડાવા તથા એરપોર્ટ-એસ.ટી- રેલવે સ્ટેશને ઊભી કરાયેલી ટેસ્ટિંગ સુવિધાનો લાભ લેવા પણ મંત્રી વાઘાણીએ લોકોને ખાસ જણાવ્યું હતું

(8:40 pm IST)