Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ગુજરાતમાં માવઠા બાદ બે દિવસ પડશે કડકડતી ઠંડી

કચ્છમાં આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર : ડાંગના સાપુતારામાં ઝરમર વરસાદની શરુઆત થઈ છે જેને કારણે ઠંડીના પ્રમાણમાં થયો વધારો નોંધાયો છે

કચ્છ, તા.૯ : ગુજરાતમાં ફરીથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યમાં માવઠાની અસર ઓછી થતા હવે કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. શનિવારે નલિયામાં ૬.૯ ડિગ્રી તાપમાન રહ્યુ હતું. હવામાન વિભાગ દ્વારા કચ્છમાં આગામી બે દિવસ માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં અનેક સ્થળે આગામી બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર ડિગ્રી સુધી ગગડતાં ઠંડીનું મોજું ફરી વળશે. આ સાથે આજ સવારથી ડાંગના સાપુતારામાં ઝરમર વરસાદની શરુઆત થઈ છે જેને કારણે ઠંડીના પ્રમાણમાં થયો વધારો નોંધાયો છે. નલિયામાં એક ઝાટકે ન્યૂનતમમાં ૯.૩ ડિગ્રીના ઘટાડો થયો હતો, જેના કારણે ૬.૯ ડિગ્રી થઇ હતી. જ્યારે કંડલા એરપોર્ટ ૯.૫, ભુજ ૧૦.૮, કંડલા પોર્ટ ૧૧.૬, રાજકોટ ૧૧.૭ તાપમાન નોંધાયું હતુ. છેલ્લે ડિસેમ્બરની ૨૧ તારીખે ૫.૮ ડિગ્રી જેટલી ઠંડી સાથે નલિયામાં ન્યૂનતમ તાપમાન ક્રમશઃ વધ્યું હતું. શુક્રવારે ૧૬.૨ ડિગ્રી રહ્યા બાદ એકાએક પારો ૬.૯ ડિગ્રીએ પહોંચતાં નગરજનો એકાએક ઠૂંઠવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ પછીના બે દિવસ દરમિયાન તાપમાન ૩ ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં રાહત અનુભવાશે.

વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સન પગલે ગુજરાતના ૧૬ તાલુકામાં માવઠું પડયું હતું. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ ૧.૫૦ ઈંચ, ભાણવડ-પોરબંદરમાં ૧ ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદરના રાણાવાવ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજ્યના અનેક ભાગોમાં જેમકે, જામનગરના લાલપુર, જામજોધપુર, કાલાવડ, નેત્રંગ, કુકરમુંડા, બનાસકાંઠાના થરાદ, કચ્છના મુન્દ્રા-માંડવી, પોરબંદરના કુતિયાણા, નર્મદાના ગરૂડેશ્વરમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.

માવઠાને પગલે ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઇ છે. માવઠાથી મકાઇ, રજકો, જીરું, ધાણા, ઘઉં, મેથી જેવા રવિ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ગુજરાતને છેલ્લા બે મહિનામાં ત્રીજી વખત માવઠાની સમસ્યાનો સામનો કરવો પડયો છે. આગામી ૧૦ જાન્યુઆરીથી રાજ્યભરમાં માવઠાની અસર ઓછી થવા લાગશે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી ૨૪ કલાક લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. જોકે, ત્યારબાદ ચાર દિવસ દરમિયાન તાપમાન ૩-૫ ડિગ્રી સુધી ગગડતાં કડકડતી ઠંડી અનુભવાશે. બીજી બાજુ રાજ્યમાં ઠંડી અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ૯થી ૧૩ જાન્યુઆરીના રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. લઘુતમ તાપમાનનો પારો ગગડશે. તેમજ ૧૬થી ૧૮માં ફરી વાતાવરણ પલટો આવી શકે છે

(7:47 pm IST)