Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ધોળકા-બગોદરા હાઈવે પર અકસ્માતમાં પાંચના મોત

ત્રણ મહિલા સહિત પાંચના ઘટના સ્થળે જ મોત : ખેડા જિલ્લાના વારસંગનો ઠાકોર પરિવાર બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે દુર્ઘટના બની

અમદાવાદ, તા.૯ : ધોળકા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં ઘટના સ્થળે પાંચ મોત થઇ ગયા. જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચી છે. આ ગમખ્વાર અકસ્માતમાં ઇકો કારનો સાવ ભુક્કો બોલી ગયો હતો. આ ઘટનામાં ઇકો કારનો અકસ્માત અજાણ્યા વાહન સાથે થયો હતો ઘટના બનતા જ ધોળકા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં ઘાયલોને ૧૦૮ મારફતે ધોળકા હોસ્પિટલ ખસેડાયા. મૃતકોમાં ૨ પુરુષ અને ૩ સ્ત્રીનો સમાવેશ થાય છે.

ઘટનાની મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ઈકો ગાડીમાં સવાર ખેડા જિલ્લાના વારસંગના રહેવાસી ઠાકોર પરિવારના સભ્યો વારસંગથી નીકળીને બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા માટે જતા હતા. આ દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ પાંચ લોકોનાં મોત થયાં છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે, ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

મહત્વનું છે કે ૧૦ દિવસ પહેલાં જ બગોદરા-વટામણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એકાએક ટ્રક પાછળ એક તૂફાન ગાડી ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં હતાં અને ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થયેલી તૂફાન કારમાં સવાર લોકો રાજકોટની અલગ-અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા. તેઓ રાજકોટથી વાપી કિકેટ રમવા માટે સ્પર્ધામાં ગયા હતા. આ અકસ્માતમાં મૃતક અને ઈજાગ્રસ્તોને સરકારે સહાયની જાહેરાત કરી છે.

 

(8:01 pm IST)