Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

દિયર સાથે જતી ભાભીનું શખ્સો દ્વારા અપહરણ કરાયું

માથાભારે શખ્સોએ આચર્યું સામુહિક દુષ્કર્મ : મહિલાનું અપહરણ કરી તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવાના ગુનામાં ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

વલસાડ, તા.૯ : જિલ્લાના ભિલાડમાં એક મહિલાનું અપહરણ બાદ   તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં  પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. આ મામલે ફરિયાદ દાખલ થતાં જ બનાવની ગંભીરતા જોતા વલસાડ જિલ્લાના પીઆઇ પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ મળીને  ૧૦૦થી  વધુ પોલીસનો કાફલો પીડિત મહિલાને અપહરકર્તાઓની ચુંગાલમાંથી છોડાવવા અડધી રાત્રે દોડતો થયો હતો. આખરે વલસાડ જિલ્લા પોલીસની મહેનત રંગ લાવી અને માત્ર ૧૨  જ કલાકમાં મહિલાનું અપહરણ કરી તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવાના ગુનામાં ત્રણ આરોપીઓને ઝડપી તેમને સળિયા પાછળ ધકેલી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.   બનાવની વિગત મુજબ, વલસાડના સરીગામમાં  રહેતો એક વ્યક્તિ તેની  ભાભીની તબિયત ખરાબ હોવાથી તેને કારમાં બેસાડી  દવાખાને લઈ જઈ રહ્યો હતો. તે વખતે સરીગામ નહેર આ વિસ્તારના માથાભારે મનાતા એવા સુનીલ વારલી, રાહુલ કામલે અને સૂરજ ઝા  અચાનક આવી અને કારને રોકી અને ફરિયાદીને બહાર કાઢી તેને ઢોરમાર માર્યો હતો. ત્યારબાદ કારમાં બેસેલા ફરિયાદીના ભાભીને બળજબરીપૂર્વક કારમાં જ અપહરણ કરી ત્યાંથી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. જોકે, ત્યાર બાદ ફરિયાદીએ તાત્કાલિક પોલીસને જાણ કરતા જિલ્લાભરની પોલીસ દોડતી થઇ ગઇ હતી અને આરોપીઓને ઝડપવા વલસાડ જિલ્લા એલ.સી.બી, એસ.ઓ.જી, ભીલાડ પોલીસ સ્ટેશન અને ઉમરગામ પોલીસ સ્ટેશન સહિત વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ આરોપીઓને ઝડપવા કામે લાગ્યો હતો.

 પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ મળીને ૧૦૦થી  વધુ પોલીસનો કાફલો કામે લાગતા તમામ બાજુ નાકાબંધી કરી હતી. આખરે પોલીસની મહેનત રંગ લાવી અને માત્ર ૧૨ કલાકમાંજ  પીડિત મહિલાને શોધી  આરોપીઓની ધરપકડ કરી તેમને સળીયા પાછળ ધકેલી દીધા હતા. આરોપીઓમાં સુનીલ વારલી, રાહુલ કામલે અને સૂરજ ઝાનો સમાવેશ થાય છે. આરોપીઓની ધરપકડ કરી પીડિતા અને આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. આખરે પીડિતાનો મેડિકલ રિપોર્ટ બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, નરાધમ આરોપીઓ એ પીડિતા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત બહાર આવી હતી.

આથી પોલીસે આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા  આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. મહિલા અનૈતિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની શંકા રાખી આરોપીઓએ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. તપાસમાં એ પણ બહાર આવ્યુ  છે કે, આરોપીઓ  અગાઉ પણ ગુનાહિત ભૂતકાળ સાથે સંકળાયેલા છે.

(7:57 pm IST)