Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કોરોનાની ઝપટે ભાજપના નેતાઓ ધનસુખ ભંડેરી - ડો. બોઘરા આઇસોલેટેડ

બે દિ'માં ૩૬૦ કેસ નોંધાતા સંક્રમણ વધવા લાગ્‍યુ : ૭૦ લોકો સાજા થઇ ગયા : કુલ ૪૪,૧૫૭ કેસ : હાલ ૧૧૨૦ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૦ : શહેરમાં હવે કોરોનાનું સંક્રમણ બમણી સ્‍પીડે વધવા લાગ્‍યું છે. કેમકે છેલ્લા બે દિવસમાં ૩૬૦ જેટલા કેસ નોંધાઇ ચૂક્‍યા છે. સંક્રમણની આ લહેરમાં હવે ભાજપના નેતાઓ પણ ઝપટે ચડવા લાગ્‍યા છે. જેમાં ધનસુખભાઇ ભંડેરી તથા ડો. ભરતભાઇ બોઘરાનો સમાવેશ છે.
સત્તાવાર પ્રાપ્‍ત માહિતી મુજબ ગુજરાત મ્‍યુ. ફાઇનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી તાજેતરમાં રાજકોટમાં યોજાયેલ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના રોડ-શોમાં હાજરી આપ્‍યા બાદ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પ્રવાસે ગયા હતા. ત્‍યાંથી પરત આવ્‍યા બાદ શ્રી ભંડેરીને તાવ આવતો હોય તેઓએ કોરોના રિપોર્ટ કરાવતા તેમને કોરોના પોઝિટિવ હોવાનું ખુલ્‍યું હતું.
આથી ધનસુખભાઇ ભંડેરી તબીબનાં માર્ગદર્શન હેઠળ હોમ આઇસોલેટ થઇને સારવાર લઇ રહ્યા છે. આજ પ્રકારે ભાજપના પ્રદેશ અગ્રણી ડો. ભરત બોઘરાનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેઓ પણ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે. ઉપરાંત જિલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલા પણ કોરોના પોઝિટિવ થયા છે. આમ કોરોના હવે ભાજપના આગેવાનોમાં ફેલાવા લાગતા ભાજપ વર્તુળમાં ફફડાટ ફેલાયો છે.
દરમિયાન છેલ્લા બે દિવસમાં ૩૬૦ કોરોના કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જો કે ૭૦ વ્‍યકિતઓ સાજા થઇ ગયા છે અને આજ સુધીમાં કુલ ૪૪,૧૫૭ કેસ નોંધાઇ ચૂકયા છે. હાલમાં ૧૧૨૦ વ્‍યકિતઓ કોરોનાની સારવારમાં છે.
 

(3:33 pm IST)