Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

બાપુનગરના યુવકને 10 હજારની લોન લેવી ભારે પડી :ન્યૂડ ફોટા વહેતા કરવાની ધમકી આપી 5 લાખ પડાવ્યા

યુવકને પૈસાની જરૂરીયાત હોવાથી રૂપેકીંગ નામની એપ્લીકેશનથી લોન મેળવી હતી

બાપુનગરમાં રહેતા યુવકે રૂપેકીંગ નામની એપ્લીકેશનથી લોન લેવી ભારે પડી હોવાની ઘટના પ્રકાશનમાં આવી છે. યુવકે એપ્લીકેશનથી રૂ.10 હજારની લોન મેળવી બાદમાં અજાણ્યા શખ્સે તેમનો નંબર મેળવીને લોનના પૈસા નહીં ભરે તો તારા ફોટો મોર્ફ કરી ન્યુડ બનાવી વેહતા કરી નાખીશ તેવી ધમકી આપી તેની પાસેથી રૂ.5 લાખ પડાવ્યા હતા. આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

બાપુનગર વિસ્તારમાં આવેલી મહાવીર જૈન સોસાયટીમાં રહેતા પ્રાણેશભાઈને પૈસાની જરૂરત હોવાથી ગુગલ એપ્લીકેશનમાં રૂપેકીંગ નામની એપ્લીકેશ ડાઉનલોડ કરી હતી. જોકે લોન મેળવવા માટે આ એપ્લીકેશ ડાઉનલોડ કરી હતી અને તેમને રૂ. 10 હજારની લોન પણ મળી ગઈ હતી. એટલું જ નહીં પ્રાણેશભાઈએ લોનના પૈસા પણ બાદમાં ભરી દીધા હતા.

તેમ છતા ડીસેન્ટરો ટેક નામની કંપની તથા ક્રેર્ડીટ બર્ઝ, રૂપિસ સ્માર્ટ, લાઈટનીંગ લોન, બ્રાઈટ કેસ તેવી અલગ અલગ એપ્લીકેશનના અજાણી વ્યક્તિએ પ્રાણેશભાઈની જાણ બહાર લોનના પૈસા કોટક બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં વોટ્સએપ પર ધમકી આપતા હતા કે, લોનના પૈસા નહીં ભરે તો તારુ ન્યુડ ફોટાનુ મોર્ફીંગ કરીને તેવા ફોટા વહેતા કરી દેવાનું કહ્યું હતું. જો કે પ્રાણેશભાઈએ પૈસા ભરી દીધા હોવાનું જણાવ્યુ તેમ છતા આ અજાણ્યો શખ્સ પૈસાની માંગણી કરીને ધમકી આપીને અલગ અલગ રીતે કુલ રૂ.5 લાખ પડાવી લીધા હતા અને વધુ પૈસાની માંગણી કરતો હતો જેથી તંગ આવેલા પ્રાણેશભાઈએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

(12:57 pm IST)