Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મહેસાણાના કૃણાલ પટેલે 140 વિઘામાં પ્‍લાન્‍ન્‍ટ તૈયાર કર્યોઃ આલુ પરોઠા બનાવવા માટે હવે બટાકા બાફવા નહીં પડેઃ માત્ર 5 જ મિનીટીમાં આલુ પરોઠા તૈયાર થઇ જશે

દર મહિને 1200 ટન બટાકાનો પાવડર બનાવાય છેઃ 70 કરતા વધુ દેશોમાં નિકાસ

મહેસાણા: ભાગ્યેજ કોઈ વ્યક્તિ એવો હશે કે જેને આલુ પરોઠાનો ટેસ્ટ પસંદ ન હોય. પણ સૌને ભાવતા આલુ પરોઠા તૈયાર કરવા માટે બટાકા બાફવાની પળોજળ ફરજિયાત કરવી પડે..પણ હવે આલુ પરોઠા તૈયાર કરવા માટે બટાકા બાફવા નહીં પડે. માત્ર 5 જ મિનિટમાં આલુ પરોઠા તૈયાર થઈ જશે. મહેસાણામાં એક યુવાને 140 વિઘામાં એક એવો પ્લાન્ટ તૈયાર કર્યો છે જેમાં દર મહિને 1200 ટન બટાકાનો પાવડર તૈયાર કરવામાં આવે છે. આ પાવડર દુનિયાના 70 કરતા વધુ દેશોમાં નિકાસ થાય છે અને મહત્વપૂર્ણ વાત એ છે કે સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનો મેગા ફૂડ પાર્ક મહેસાણામાં પ્રથમ છે. ખેડૂત પરિવારમાં જન્મેલા યુવાને કાર્યરત કરેલો આ મેગા ફૂડ પાર્ક હાલમાં 25000 ખેડૂતોને જોડવામાં આવ્યા છે.

ચણાયેલી ઇમારત કદી નકશામાં નથી હોતી. અને સફળતા કદી હસ્ત રેખામાં નથી હોતી. આ ઉક્તિને કૃણાલ પટેલ નામના એક યુવાને સાચી ઠેરવી છે. ખેડૂત પરિવારમાં જન્મેલા કૃણાલ પટેલે આમ તો બિઝનેશ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. પણ ખેડૂત પરિવારમાં જન્મેલા કૃણાલ પટેલ એવો વ્યવસાય કરવા માંગતા હતા જેમાં ખેડૂતને સીધો ફાયદો મળે અને આ કારણે તેમણે એક એવો ફૂડ પ્રોસેસિંગ પાર્ક કાર્યરત કર્યો. જેમાં આજે 25000 ખેડૂતોને સીધો આર્થિક ફાયદો આપી રહ્યો છે.

જોટાણા તાલુકાના મૂદરડા ગામ નજીક આ ખાનગી મેગા ફૂડ પાર્ક શરૂ કરનાર કૃણાલ પટેલ એ સ્થાપેલો ફૂડ પ્રોસેસિંગ પાર્ક ગુજરાતમાં પ્રથમ છે. જેમાં બટાકાનો પાવડર તૈયાર કરવામાં આવે છે. દર મહિને આ ફૂડ પાર્કમાં 1200 ટન બટાકાનો પાવડર તૈયાર કરવામાં આવે છે અને આ પાવડર દુનિયાના 70 દેશમાં નિકાસ થાય છે. આ પાવડરનો ઉપયોગ આલુ પરોઠા અને આલુ સેવ બનાવવા માટે થાય છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ પાવડર 1 વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાય છે. જ્યારે બટાકુ બાફયા પછી માત્ર 5 કે 6 કલાક જ ઉપયોગમાં લઇ શકાય છે.

ખેતરથી સીધા બજાર સૂત્ર સાથે પ્લાન્ટ શરૂ કરનાર કૃણાલ પટેલ અને તેમની ટીમ દ્વારા હાલમાં કોન્ટ્રાકટ ફાર્મ પદ્ધતિ હેઠળ પોતાની સાથે 25000 ખેડૂતો ને જોડવામાં આવ્યા છે અને વર્ષે 55000 ટન બટાકાનો પાવડર તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 330 વીઘા જમીન પૈકી 140 વીઘા જમીન ઉપર ફૂડ પ્રોસેસીંગનું ઇન્ફાસ્ટક્ચર ઉભું કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જમીન ઉપર બટાકાની વિવિધ જાતની ખેતી કરવાનું આયોજન છે.

હાલમાં આ મેગા ફૂડ પાર્ક દ્વારા 300 લોકોને રોજગારી આપવામાં આવી રહી છે. પરંતુ કુણાલ પટેલ દ્વારા આગામી 2 વર્ષમાં 10000 લોકોને રોજગારી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે વિવિધ ફૂડ કંપનીઓને જોડવામાં આવશે એટલે કે આ યુવાને મહેસાણાને એક નહીં પણ દસ કરતા વધુ ફૂડ કંપની એક જ કાર્યરત કરવાનું આયોજન કર્યું છે.

મન હોય તો માળવે જવાય..આ ઉક્તિને ખેડૂત પરિવારમાં જન્મેલા કૃણાલ પટેલ અને તેમની ટીમ દ્વારા સાર્થક કરી છે.ખેતી માટે કંઈક કરી છૂટવાની ભાવના ને કારણે આજે કૃણાલ પટેલે એક એવો મેગા ફૂડ પાર્ક તૈયાર કરી દીધો કે જે આખા ગુજરાતમાં પ્રથમ છે અને પાર્ક થકી ખેડૂતને તો સીધો આર્થિક ફાયદો મળવાનો જ છે. પણ આ ફૂડ પાર્કે મહેસાણાને પણ મોટી સિદ્ધિ અપાવી જાણશે તેમ કહીયે તો નવાઈ નહીં.

(5:08 pm IST)