Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

આણંદ જીલ્લાના કલમસરમાં લોકગાયક કિર્તીદાન ગઢવીના લોકડાયરામાં રૂપિયાનો વરસાદ વરસ્‍યોઃ કોરોના નિયમના ભંગ સાથે ધારાસભ્‍ય મયુર રાવલે પણ રૂપિયા ઉડાડયા

કોરોના કહેર વચ્‍ચે અનેક લોકો માસ્‍ક વગર દેખાયા

આણંદ: ગુજરાતી લોકલાડીલા લોક ગાયક કિર્તીદાન ગઢવીની લોક ચાહના દેશ અને વિદેશમાં પણ એટલી બધી છે કે તેઓના ડાયરામાં રૂપિયા અને ડોલરોનો વરસાદ થાય તે સામાન્ય વાત થઈ ગઈ છે. ત્યારે ગુજરાત આણંદ જિલ્લામાંથી એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આણંદમાં કોરોના મહામારીમાં એક કિર્તીદાન ગઢવીનો ડાયરો રાખવામાં આવ્યો હતો, જ્યાં તેમના પ્રશંસકો સ્વાભાવિક રીતે ભેગા થાય છે, અહીં પણ ભેગા થયા હતા અને જુસ્સામાં આવીને રૂપિયાનો વરસાદ કર્યો હતો.

આ વિશએ જાણવા મળી રહ્યું છે કે લોક ગાયક કિર્તીદાન ગઢવીની લોક ચાહના ગુજરાત જ સહિત દેશ અને વિદેશમાં પણ એટલી બધી છે કે તેઓ ડાયરા માટે જાણીતા છે. ત્યારે આણંદના કલમસરમાં કિર્તીદાન ગઢવીના એક કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ થયો હતો. જેમાં ડાયરામાં ઉપસ્થિત લોકોએ તેમના કાર્યક્રમમાં રૂપિયા વરસાવ્યા હતા. અહીં આશ્ચર્યની વાત એ છે કે કાર્યક્રમમાં રાજ્યના ધારાસભ્ય મયુર રાવલની હાજરીમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. અહીં પણ કોરોના નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા.

કિર્તીદાન ગઢવીના ડાયરામાં અનેક લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યું નહોતું. ધારાસભ્ય મયુર રાવલે જાતે ડાયરામાં રૂપિયા ઉડાવ્યા હતા. કિર્તીદાન ગઢવી પર રૂપિયા ઉડાડતો ધારાસભ્યના દ્રશ્યો વાયરલ થતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો હતો. અહીં કોરોનાના કહેર વચ્ચે અનેક લોકો માસ્ક વગર દેખાયા હતા.

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ અમેરિકાના એટલાન્ટામાં કિર્તીદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં અમેરિકન ડોલરોનો વરસાદ થયો હતો. કિર્તીદાન ગઢવીએ લીલી લીંબડી રે...લીલો નાગરવેલનો છોડ...તે ગીત ગાતા જ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ઉત્સાહમાં આવી ગયા હતા..અને ડોલરની થપ્પીઓ ઉડાવી હતી...મહત્વનું છે કે અમેરિકામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ ગુજરાતી સાથે હિન્દી ગીતો પણ રજૂ કર્યા હતા.

નોંધનીય છે કે એટલાન્ટામાં તો મહિલાઓ સ્ટેજ પર ચડીને કિર્તીદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો.

(5:11 pm IST)