Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ગાંધીનગરમાં સે-21ની શાકમાર્કેટમાં રખડતા ઢોરોનો આતંક:વેપારીઓ સહીત નગરજનો બન્યા ત્રસ્ત

 

ગાંધીનગર: રાજયના પાટનગરમાં રખડતાં ઢોરોને નિયંત્રણમાં રાખવા માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ તે ફકત કાગળ ઉપર જ રહયું હોય તે પ્રકારે કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. જેના પગલે ઠેકઠેકાણે રખડતાં ઢોરો અડીંગો જમાવીને બેસી જાય છે. સે-ર૧માં આવેલા શાકમાર્કેટમાં સમગ્ર દિવસ દરમ્યાન ઢોરોની અવરજવર હોવાના કારણે સ્થાનિક વેપારીઓ તેમજ ખરીદી અર્થે આવતાં નગરજનો પણ ત્રસ્ત થઈ ગયા છે.   

ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરોનો ત્રાસ વધી જવા પામ્યો છે. સેકટરોમાં આવેલા આંતરિક વિસ્તારોમાં પણ દિવસ દરમ્યાન અડીંગો જમાવીને બેસી રહેતાં લોકોને અવરજવર કરવામાં પણ ભય સતાવતો હોય છે ત્યારે તંત્ર દ્વારા રખડતાં ઢોરોને નિયંત્રણમાં રાખવા માટે જાહેરનામુ તો બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ તે અંગે કોઈ જ કામગીરી થઈ ના હોય અને કાગળ ઉપર રહયું હોય તે પ્રકારે હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારોને રખડતાં ઢોરોએ બાનમાં લીધું છે. સે-ર૧માં આવેલા મુખ્ય શાક માર્કેટમાં રોજના અસંખ્ય લોકો શાકભાજીની ખરીદી અર્થે આવતાં હોય છે. ત્યારે આ વિસ્તારમાં પણ ઢોરોની અવરજવર વધી જવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તો વેપારીઓને પણ ઢોરોના પગલે નુકશાની વેઠવી પડતી હોય છે. ઘણીવખત શાકમાર્કેટની અંદર જ ઢોરો આવી ચઢતાં ખરીદી અર્થે આવતાં નગરજનો તેમજ વેપારીઓને પણ શીંગડે ભરાવતાં હોય છે જેના પગલે નાની મોટી ઈજાઓનો પણ સામનો કરવો પડતો હોય છે. આ અંગે રજુઆતો કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવતાં વેપારીઓ પણ ત્રસ્ત થઈ ગયા છે.

(5:32 pm IST)