Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

પતંગ પકડવા જતા પાંચમા માળેથી નીચે પટકાયો બાળક

વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના : બાળક થાંભલા પર ફસાયેલો પતંગ નીકાળવા જતો હતો ૧૦ દિ'માં બે માસૂમોએ પતંગના ચક્કરમાં જીવ ગુમાવ્યો

સુરત,તા.૧૦ : ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તમામ લોકોને અને ખાસકરીને બાળકોને સુરક્ષિત રહેવાની ખાસ અપીલ કરવામાં આવે છે. સુરતમાં પાછલા ૧૦ દિવસમાં બીજી એવી દુઃખદ ઘટના બની છે જેમાં પતંગ ચગાવવાના ચક્કરમાં બાળકે જીવ ગુમાવ્યો હોય. શનિવારના રોજ સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં પતંગ પકડવા જતા એક બાળક પાંચમા માળેથી નીચે પડી ગયુ હતું. દુર્ઘટનાનો શિકાર બનનાર બાળકનું નાર રોહિત છે અને તેની ઉંમર આઠ વર્ષ હતી. મધ્યપ્રદેશથી આવેલા એક બાંધકામ મજૂરનો તે દીકરો હતો. એક ઈમારતનું બાંધકામ ચાલી રહ્યુ હતું ત્યાં પાંચમા માળે રોહિત પોતાના નાના ભાઈ કાળુ સાથે રમી રહ્યો હતો. તેણે નજીકના એક થાંભલા પર પતંગ ફસાયેલો જોયો.

રોહિત થાંભલા પરથી તે પતંગ નીકાળવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આ પ્રયત્ન દરમિયાન ઈમારતના બે ભાગ વચ્ચેના ગેપમાં તે પડી ગયો. રોહિતને ભારે ઈજા થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. દુર્ભાગ્યવશ સારવાર દરમિયાન શનિવારના રોજ તેનું મૃત્યુ થયું. ઈચ્છાપોર પોલીસે આ બાબતે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે અને ઘટનાની તપાસ શરુ કરી છે. રોહિતના પિતા રમેશ ડામોર મધ્ય પ્રદેશના જાંબુવાના રહેવાસી છે. ઈચ્છાપોરમાં બની રહેલી સ્વસ્તિક હાઈટ્સ ઈમારતના બાંધકામમાં તેઓ લાગેલા હતા. પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, શુક્રવારે સાંજે આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે ૩૦મી ડિસેમ્બરના રોજ સુરતના અડાજણ વિસ્તારમાં એક છ વર્ષના બાળકે ધાબા પર પતંગ ચગાવતી વખતે સંતુલન ગુમાવ્યું અને પાંચમા માળેથી નીચે પડી ગયુ હતું.

દુર્ભાગ્યવશ તે બાળકે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તમામ લોકોને અને ખાસકરીને બાળકોના માતા-પિતાને સલાહ આપવામાં આવે છે કે આ પ્રકારની દુર્ઘટનાઓ બને નહીં તેની ખાસ કાળજી રાખો. બાળક ધાબા પર પતંગ ચગાવવા જાય તો તેની સાથે કોઈ એક વડીલ હાજર હોય તે સુનિશ્ચિત કરો.

(9:17 pm IST)