Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

૧૬ લાખ લઇને નોકરી અપાઇ, CBI તપાસ થવી જોઇએ

ઊર્જાવિભાગનું પરીક્ષા કૌભાંડમાં યુવરાજસિંહનું નિવેદન : પરિવારના ૪૫ લોકોને નોકરી આપવામાં દિલીપ ડાહ્યા પટેલની મુખ્ય ભૂમિકા હોવાની વાત યુવરાજસિંહે જણાવી છે

અમદાવાદ,તા.૧૦ : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આજે ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ખુલાસો કર્યો છે. ઊર્જા વિભાગની ભરતી કૌભાંડમાં યુવરાજસિંહે આજે વધુ વચેટિયાના નામ જાહેર કરતા ખળભળાટ મચ્યો છે. યુવરાજસિંહે જણાવ્યું છે કે, દિલીપ પટેલ, અરવિંદ પટેલ નામના વ્યક્તિઓ મુખ્ય કૌંભાડી છે અને તેમણે પોતાના પરિવારના ૪૫ લોકોને ખોટી રીતે ઓળખાણથી નોકરી અપાવી છે. તેમજ ખોટી રીતે ભરતી થયેલા હાલ ફરજ પર છે. યુવરાજે જણાવ્યું છે કે તમામ કૌભાંડના આધાર-પુરાવા ઉપલબ્ધ છે. તથા હેડક્લાર્કનો આરોપી પિનાકીન પણ સંડોવાયેલો છે. તેમણે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આરોપીઓની સંપત્તિ જપ્ત કરવા અને SIT સમિતિ રચી તપાસ કરવા જણાવ્યું છે.

આ સાથે સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે. યુવરાજસિંહે જણાવ્યું કે, આ પહેલા મેં ઉર્જા વિભાગની ભરતીની વાત કરી હતી, એ સ્કેમ અત્યારે જે ચલાવે છે, તેમાં પરિવારવાદ, ઓળખાણવાદ ચાલે છે. હું આગામી સમયમાં આ કૌભાંડમાં અન્ય બીજા નામ આપીશ. ઉર્જા વિભાગમાં તમામ પરિવાર અને સગાઓ સ્કેમ કરી ફરજ બજાવી રહ્યા છે. જેમાં મૂળ વ્યક્તિ દિલીપ ડાહ્યા પટેલ, ગળતેશ્વર, ઈટાળા પ્રાથમિક શાળાના શિક્ષક જેમના ત્રણ લોકોનો સમાવેશ થાય છે. દિલીપ પટેલના ભાઈ વિજય પટેલ છે. ધર્મેન્દ્ર પટેલ, બાયડમાં રહે છે, અને તેઓ વચેટિયા છે. વિજય પટેલ, સ્વેત પટેલ પણ વચેટિયા છે. યુવરાજ સિંહે, જણાવ્યું કે, ઉર્જા વિભાગના કૌભાંડમાં જે લોકો સંકળાયેલા છે તે લોકો ઘણી સંપત્તિ ધરાવે છે.

નજીકના સંબંધીઓને લગાડવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. અરવિંદ પટેલે ઉર્જા વિભાગમાં નજીકના સંબંધીઓને નોકરી અપાવી છે. એક જ પરિવારના લોકો GEBમાં નોકરી રહ્યા છે. ૧૬ લાખ રૂપિયામાં નોકરી અપાવવામાં આવી છે. અમારી પાસે તમામ જે મુદ્દા કહેવામાં આવ્યા તેના આધાર-પુરાવા છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, જેતે સમયે MDથી લઈને અધિકારીઓ ભરતી કૌભાંડમાં સંડોવાયેલા છે. યુવરાજસિંહે વધુમાં જણાવ્યું કે, ધર્મેન્દ્રભાઈના પત્ની કૃપલ બેન UGVCLમાં નોકરી કરે છે અને તેઓ બાયડમાં જુનિયર આસિસ્ટન્ટ છે. દિલીપ ડાહ્યા પટેલનો દીકરો ઉત્પલ પટેલ, જેટકોમાં એમની પુત્રવધુ શિખા પટેલ, થર્મલ જેટકોમાં નોકરી કરે છે. ઉત્પલનો સાળા પણ તેમાં જ નોકરી કરે છે. દિલીપ ડાહ્યા પટેલનો જમાઈ પણ લીંબડીમાં નોકરી કરે છે અને તે જુનિયર આસિસ્ટન્ટ અને એન્જીનીયર તરીકે કાર્યરત છે. યુવરાજસિંહે બાયડના અરવિંદ પટેલનું અગાઉ નામ આપ્યું હતું, એમનો પુત્ર જતીન અરવિંદ પટેલ આણંદ જીઈબીમાં, બીજો પુત્ર શ્રેય હાલ કાલુપુર અને પત્ની દાહોદમાં નોકરી કરે છે. એમનો ભાઈ પણ વહીવટદાર તરીકે હોવાનું જણાવ્યુ છે. આ ઉપરાંત એમની ભત્રીજી હેપ્પી પટેલ ચોઈલામાં નોકરી કરતી હોવાનું જણાવ્યું છે. 

(9:18 pm IST)