Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

BTP-AIMIM નું સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અસ્તિત્વ ખતમ થઈ જશે : મનસુખભાઈ વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTP એ AIMIM સાથે ગઠબંધન કર્યું છે.ભરૂચ અને અમદાવાદ ખાતે BTP ના છોટુભાઈ વસાવા અને AIMIM અસદ્ગુદિન ઔવેશીએ જાહેરસભા સંબોધી ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો.AIMIM અસદ્ગુદિન ઔવેશીએ બન્નેવ જાહેરસભામાં ભાજપ અને  મોદી તથા અમિતભાઈ  શાહ વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યો હતો અને એમની પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. AIMIM અસદ્ગુદિન ઔવેશીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે ગુજરાત છોટુભાઈ વસાવાનું છે નરેન્દ્રભાઈ  મોદી કે અમિત શાહનું નહિ.અસદ્ગુદિન ઔવેશીના આ નિવેદન બાદ ખળભળાટ મચ્યો હતો.ત્યારે ભાજપ સાંસદ મનસુખભાઈ  વસાવાએ AIMIM અસદ્ગુદિન ઔવેશીને બોલવામાં મર્યાદા રાખવાની સલાહ આપી હતી.એમણે જણાવ્યું હતું કે BTP-AIMIM તો ગાંડા છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTP-AIMIM ગઠબંધન વિશે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે એ ગઠબંધનથી કોંગ્રેસને ખૂબ મોટું નુકશાન જશે ભાજપ ને કોઈ જ ફરક નહિ પડે.એમણે વધુમાં જણાવ્યું હતું કે BTP-AIMIM અલગતાવાદી વિચારધારા ધરાવતી પાર્ટી છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આ બન્નેવ પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઈ જશે, BTP-AIMIM ની કોઈ હેસીયત નથી કે ભાજપને ચૂંટણીમાં હરાવી શકે.
  મનસુખભાઈ  વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે BTP અને ઔવેસીની AIMIM બંને ગાંડા છે.તેઓ આવનારી ચૂંટણીમાં હાંસિયામાં ધકેલાઈ જશે.અસદ્ગુદિન ઔવેશીએ ભરૂચમાં જાહેરમાં એમ કહ્યું હતું કે ગુજરાતતો ગાંધીનું અને છોટુભાઈ વસાવાનું છે, નરેન્દ્રભાઈ  મોદી કે અમિતભાઈ  શાહનું નથી.ત્યારે આ મામલે મનસુખ વસાવાએ જણાવ્યું કે નરેન્દ્ર ભાઈ મોદી વિશ્વફલકના નેતા છે, છોટુભાઈ સીમિત છે તેઓ હજુ ઝઘડિયાથી બહાર નીકળી નથી શકતા, ઔવેશીએ બોલવામાં મર્યાદા રાખવી જોઈએ.અસદ્ગુદિન ઔવેસીને ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિનું જ્ઞાન નથી અને કઈ પાર્ટીને ક્યાં કેટલો જનધાર છે એનો અભ્યાસ પણ કર્યો નથી.તેઓ એક પાગલ વ્યક્તિની માફક કહે છે કે ગુજરાત તો છોટુભાઈ વસાવાનું છે.છોટુભાઈ વસાવા એ અત્યાર સુધી આદિવાસીઓને ઉશ્કેરવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી.

(10:28 pm IST)