Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

અમદાવાદની 65 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલોએ વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2.02 કરોડની વધારાની ફી ઉઘરાવી હતી

-બે દિવસમાં જ વધારાની ફી પરત આપવા DEOનો આદેશ :65માંથી 17 જેટલી સ્કૂલોએ વધારાની ફી પરત કરી

અમદાવાદ :શહેરની માત્ર ખાનગી જ નહીં ગ્રાન્ટેડ સ્કૂલો પણ વિદ્યાર્થીઓ પાસેથી વધારે ફી ઉઘરાવતી હોવાની હકીકતો પ્રકાશમાં આવી છે. શહેરની 65 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલોએ વિદ્યાર્થીઓ પાસેથી વધારે ફી ઉઘરાવી હોવાની વિગતો સામે આવ્યા બાદ સ્કૂલોને વધારાની ફી પરત કરવા આદેશ કરાયો હતો. તેમાંથી 17 જેટલી સ્કૂલોએ વધારાની ફી પરત કરીને તે અંગેનું ચલણ સરકારમાં જમા કરાવ્યું હોવાની માહિતી જાણવા મળી છે. જ્યારે બાકીની 48 સ્કૂલોએ હજુ સુધી ચલણ જમા કરાવ્યું ન હોવાની માહિતી બહાર આવી છે. આ સ્કૂલોએ વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2.02 કરોડની વધારાની ફી ઉઘરાવી હતી.

અમદાવાદ શહેરમાં આવેલી ગ્રાન્ટેડ સ્કૂલોએ નક્કી કરેલી ફી કરતા વિદ્યાર્થીઓ પાસેથી ઉંચી ફી વસુલી હોવાની વિગતો એકાઉન્ટન્ટ જનરલની કચેરી દ્વારા આપવામાં આવેલા અહેવાલમાં સ્પષ્ટ જણાયું છે. શૈક્ષણિક વર્ષ 2012-13થી 2018-19ના વર્ષ દરમિયાન શહેરની વિવિધ બિનસરકારી અનુદાનિત શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી અનાધિકૃત રીતે વધુ ફી વસુલતા હોવાની નોંધ અહેવાલમાં કરવામાં આવી છે. કચેરી દ્વારા શહેરની સ્કૂલોની ચકાસણી કરતા 65 જેટલી સ્કૂલોએ વિદ્યાર્થીઓ પાસેથી અનાધિકૃત રીતે વધુ ફી વસુલી હોવાનું સામે આવ્યું હતું.

શહેરની ગ્રાન્ટેડ સ્કૂલોએ વધુ ફી ઉઘરાવી હોવાની માહિતી આવ્યા બાદ 17 જેટલી સ્કૂલોએ ચલણ ભરી દસ્તાવેજો ઓડિટ સમક્ષ રજૂ કર્યા હતા. જ્યારે બાકી રહેતી 48 જેટલી સ્કૂલોએ હજુ સુધી પરત જમા કરાવેલી ફીના દસ્તાવજો રજૂ કર્યા ન હોવાનું સામે આવ્યું છે. આ બાબતને ગંભીરતાથી લઈ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બે દિવસમાં જ વધારાની ફી પરત આપીને તેના ચલણ સહિતની વિગતો જમા કરાવવા માટે આદેશ આપ્યો છે. ઉપરાંત ફી પરત કરી હોય તો તે અંગેના પુરાવા પણ આચાર્યના સહી સિક્કા સાથે સુપ્રત કરવા માટે જણાવાયું છે

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરની ગ્રાન્ટેડ સ્કૂલોએ વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2.02 કરોડ જેટલી વધારાની ફી ઉઘરાવી લીધી હોવાનું સામે આવ્યું છે. જેથી આ અંગે સ્કૂલોને જાણ કરતા અમુક સ્કૂલોએ થોડીક ફી પરત કરી છે. જ્યારે બાકીની ફી હજુ પરત કરવાની બાકી હોવાથી તેમને તાકીદે ફી પરત કરી તેના ચલણ સરકારમાં જમા કરાવવા માટે સુચના અપાઈ છે. અત્યાર સુધી રૂ. 4.44 લાખ જેટલી જ ફી પરત આવી હોવાનું સત્તાવાર રીત જણાવાયું છે. જ્યારે રૂ. 1.97 કરોડની ફી હજુ ભરવાની બાકી હોવાનું જાણવા મળે છે

(12:47 am IST)