Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

અમદાવાદમાં જાહેરસભા યોજતા 'આપ'નાં ગોપાલ ઇટાલિયાની ધરપકડ બાદ જામીન મુકત

અમદાવાદ,તા.૧૦: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની યોજાયેલી જાહેરસભા એક દિવસ બાદ ગુજરાત યુનિ. પોલીસે 'આપ'ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની ધરપકડ બાદ શરતી જામીન પર છુટકારો થયો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત ૩ જાન્યુઆરીએ શહેરોના નારણપુરા વિસ્તારના ભૂમિ પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીની જાહેરસભા યોજાઇ હતી. આ સભા માટે જરૂરી પરવાનગી હોવા છતાં પોલીસે પાર્ટીના નેતાઓ સાથે બળપ્રયોગ કરતાં પોલીસ અને પાર્ટીના કાર્યકરો વચ્ચે તું-તું-મેં-મે થઇ હતી. પોલીસે ગોપાલ ઇટાલિયા અને દિલ્હીના ધારાસભ્ય અને રાષ્ટ્રીય પ્રવકતા આતિશીની અટકાયત કરવાની તજવીજ કરતાં કાર્યકરોએ વિરોધ કર્યો હતો. મોટી બોલાચાલી બાદ પોલીસે સભા કરવાની મંજૂરી આપી હતી.

આ સભા પૂર્ણ થયાના બીજા દિવસે પોલીસે શહેર પ્રમુખ અમજદખાન, ગિરીશ રાવલ અને મિહિર પટેલની ધરપકડ કરી હતી. પોલીસે ગોપાલ ઇટાલિયાને પણ આરોપી તરીકે ગણાવ્યો  હતો.

પોલીસે તમામની સામે જાહેરનામા ભંગ, પોલીસ ઉપર હુમલો, પોલીસની કામગીરીમાં અડચણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આમ આદમી પાર્ટીના વકિલ જયેન્દ્ર અભવેકરે કોર્ટમાં રજુઆત કરી હતી કે પોલીસે સત્તાધીશ પાર્ટીના કહેવાથી ફરિયાદ નોંધી છે.

(11:40 am IST)