Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ભાજપના બ્રિન્દા સુરતી બીનહરીફ જાહેર

ભાજપ દ્વારા જીતનો પ્રારંભ : કોંગ્રેસ છાવણીમાં સન્નાટો : લડયા પહેલા જ પરાજ્યનો પ્રારંભ : વધુ બે કોંગી ઉમેદવારોના ફોર્મ રદ્દ થતા અમદાવાદમાં ભાજપને બે બેઠકો મફતમાં મળી જાય તેવી સ્થિતિ

રાજકોટ તા. ૧૦ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી કોંગ્રેસના નેતાઓએ છેલ્લી ઘડી સુધી પોતાના ઉમેદવારોને ચૂંટણીમાં ઉભા રાખવા કરેલા ઉધામા હવે તેમને જ નડી રહ્યા છે.ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાના અંતિમ દિવસે શહેરના નારણપુરા વોર્ડમાં કોંગ્રેસે જે મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી એમણે ફોર્મ પરત ખેંચતા આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બ્રિન્દા સુરતી બિનહરીફ વિજેતા જાહેર થયા હોવાનું જાણવા મળે છે.તો બીજી તરફ સરદારનગર અને ઠકકરનગર વોર્ડ એમ બે વોર્ડમાં કોંગ્રેસે જેમને ટિકિટ આપી હતી.એવા બે ઉમેદવારોનાં ફોર્મ સોમવારે રદ થયાં છે.આ બે બેઠકો પૈકી પણ એક બેઠક ઉપર ભાજપનો ઉમેદવાર બિનહરીફ જાહેર થાય એવી સંભાવના સૂત્રો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.જો આમ થશે તો અમદાવાદમાં ભાજપ બે બેઠકો ચૂંટણી લડયા પહેલાં જ જીતી લે તેવી પ્રબળ સંભાવના છે.ચૂંટણી લડયા પહેલાં જ અમદાવાદની એક બેઠક ગુમાવવાની નોબત આવી પડતાં કોંગ્રેસ છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો.

આ અંગે મળતી માહીતી મુજબ,નારણપુરા વોર્ડમાં બક્ષી પંચની બેઠક પર કોંગ્રેસ દ્વારા ચંદ્રીકા રાવળ નામના મહિલાને ઉમેદવાર તરીકે જાહેર કરી ટિકિટ આપી હતી.આ મહિલા ઉમેદવારે ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાના અંતિમ દિવસે તેમનું ઉમેદવારી પત્ર પાછુ ખેંચ્યુ હોવાની જાહેરાત કરી છે.આ અગાઉ સોમવારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે નારણપુરા વોર્ડની બક્ષી પંચ માટેની આ અનામત બેઠક માટે પુષ્પાબહેન નામના મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી.એમનું ફોર્મ ચકાસણી સમયે સોમવારે રદ કરવામાં આવતા આ બેઠક ઉપરનાં ભાજપના એક માત્ર મહિલા ઉમેદવાર બ્રિન્દા સુરતીને બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

(3:20 pm IST)