Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં કાકા-ભત્રીજો સામસામાઃ કાકા કોંગ્રેસમાં તો ભત્રીજો ભાજપમાં: એકબીજા સામે આક્ષેપો

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા માટે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે. 48 વોર્ડની 192 બેઠકો માટે કુલ 771 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ (BJP) ના 191 ઉમેદવારો અને કોંગ્રેસના 188 ઉમેદવાર મેદાનમાં છે. તો બહુજન સમાજ પાર્ટીના 54 અને આમ આદમી પાર્ટીના 155 ઉમેદવારો મેદાનમાં છે. તેમજ અપક્ષમાં 86 અને અન્ય પક્ષોના 56 ઉમેદવારો મેદાનમાં છે.

ખોખરા વોર્ડમાં કાકા-ભત્રીજા સામસામે ઉતર્યા

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આરપારનો જંગ શરૂ થઈ ગયો છે. ખોખરા વોર્ડમાં કાકા-ભત્રીજા સામસામે ઉતર્યા છે. ખોખરા વોર્ડમા કોંગ્રેસના ઉમેદવાર મધુ પરમાર કાકા છે, તો ભાજપમાં ચેતન પરમાર ઉમેદવાર ભત્રીજો છે. કાકા-ભત્રીજા બંનેએ એકબીજા આક્ષેપ કર્યા છે. ભાજપના ઉમેદવાર ચેતન પરમારે કોંગ્રેસ પર ગંદી રાજનીતિના ભાગરૂપે તેના કાકાને ટિકિટ આપી હોવાના આરોપ લગાવ્યા. તો બીજી તરફ કાકા મધુ પરમારે આરોપો પર વળતો જવાબ આપ્યો કે, બાપ-દાદાના શરીરમાં વર્ષોથી કોંગ્રેસનું લોહી દોડ્યું છે. ખોખરા વોર્ડમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોનો વિજય થશે.

કાકા-ભત્રીજાના એકબીજા પર આક્ષેપો

અમદાવાદનાં ખોખરા વોર્ડમાં ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ખોખરા વોર્ડમાં કાકા-ભત્રીજા વચ્ચે સીધો જંગ ખેલાઈ રહ્યો છે. ખોખરા વોર્ડમાં કાકા-ભત્રીજા વચ્ચે રમાઈ રહેલા ચૂંટણીના જંગમાં ભત્રીજા ચેતન પરમાર પોતાના કાકા મધુભાઈ પરમારને સમજાવી રહ્યા છે કે, હજી પણ સમય છે તમે માની જાઓ મારી સામે હારી જશો તો વધારે અપમાન થશે અને મારા કાકા કોંગ્રેસની ગંદી રાજનીતિનાં શિકાર બની ગયા છે, જ્યારે ચેતન પરમારનાં પિતા પણ પોતાના ભાઈને સમજાવી રહ્યા છે કે, ચૂંટણીનાં જંગમાં ઉતરો નહી અને ભત્રીજા પાસે સરેન્ડર થઇ જાઓ.

ભત્રીજા અને હરીફ ઉમેદવાર ચેતન પરમારની સલાહ બાદ કોંગ્રેસ ઉમેદવાર કાકા મધુભાઈ પરમાર પલટવાર ભત્રીજા પર કરી રહ્યા છે. મધુભાઈ પરમારને વિશ્વાસ છે કે, કાકા-ભત્રીજાનાં જંગમાં કાકાનો વિજય થશે અને ગંદી રાજનીતિના શિકાર ચેતન પરમાર પોતે થઈ ગયા છે. તેમનો આખો પરિવાર કોંગ્રેસી હોવાનો દાવો કરી રહ્યા છે.

ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસે વધુ એક બેઠક ગુમાવી

નારણપુરાથી બક્ષીપંચની રિઝર્વ બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકા રાવળે ફોર્મ પરત ખેંચતા ભાજપે આ બેઠક કબ્જે કરી છે. 2021ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની પહેલી જ જીત. નારણપુરા વોર્ડના મહિલા ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ જાહેર થયા છે. જેથી તેઓ સૌ પહેલા મ્યુનિસિપલ કાઉન્સિલર બન્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપને વગર મહેનતે લોટરી લાગી છે અને બિન્દા સુરતી બિનહરીફ થયા છે. સોમવારે નારણપુરાની રિઝર્વ સીટ પર આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું.

(4:53 pm IST)