Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

કાલે અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપના તમામ ઉમેદવારો સંકલ્પ લેશેઅન્ય જિલ્લાઓમાં વર્ચ્યુઅલી સંકલ્પના કાર્યક્રમો યોજાશે

અમદાવાદ : આવતીકાલે તા.11મી ફ્રેબુઆરીને પંડિત દિનદયાલજીની પુણ્યતિથિ નિમિત્તે સમર્પણ દિવસ તરીકે ભાજપ તરફથી ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના દરેક ઉમેદવારો પોતાના જિલ્લા મહાનગરમાં એકસાથે પોતાની જાતને પ્રજાલક્ષી કાર્યો માટે સમર્પિત કરવાનો સંકલ્પ લેશે. કર્ણાવતી મહાનગર, કાંકરિયા ખાતે આવતીકાલે સવારે 10 વાગ્યે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. જયારે અન્ય જિલ્લાઓમાં વર્ચ્યુઅલી સંકલ્પના કાર્યક્રમો યોજાશે

આ અંગે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપમાં સંનિષ્ઠ લાખ્ખો કાર્યકર્તાઓ આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યાં છે. પ્રદેશ દ્રારા નિમાયેલા નિરીક્ષકોએ નગરપાલિકા, જિલ્લા તથા તાલુકા કક્ષાએ જઇને ઉમેદવારો સમર્થકો તેમ જ સ્થાનિક સંગઠન સાથે સંકલન કરી ત્રણ-ત્રણની પેનલ બનાવી ચર્ચા-વિચારણાં માટે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી હતી. લોકશાહી અને પારદર્શક રીતે ભાજપમાં વર્ષોથી કાર્યરત તેવા સીનીયર, યુવા, મહિલા કાર્યકરોને મહત્વ આપી પ્રાધાન્ય આપ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો અને 81 નગરપાલિકાની 2720 બેઠકો એમ કુલ મળીને 8474 બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પહેલાં છ મહાનગરપાલિકાની 144 વોર્ડની 576 બેઠકો માટેના ઉમેદવારોની યાદી ભાજપે એકસાથે જાહેર કરીને પક્ષના શિસ્ત અને પાર્ટીની સંગઠનાત્મક કામગીરીનો પરિચય આપ્યો હતો. આમ કુલ 349 એકમોના 9050 ઉમેદવારો થવા જાય છે. તમામ બેઠકો માટે સરેરાશ 20થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. આમ લગભગ બે લાખ કાર્યકર્તાઓએ ચુંટણી લડવા ઇચ્છા વ્યક્ત કરી હતી તે એક રેકોર્ડ થયો છે.

(8:39 pm IST)