Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

એડીસી બેન્ક કેસ: મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ કાર્યવાહી આગામી મુદત સુધી સ્થગિત કરવા હાઇકોર્ટનો આદેશ

અરજદાર – અજય પટેલની એક્ઝેમશન અરજીને ધ્યાને લેવાનો આદેશ કર્યો

અમદાવાદ : એડીસી બેન્ક બદનક્ષી કેસ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે – મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષની કાર્યવાહી આગામી મુદત સુધી સ્થગિત કરવાનો આદેશ કર્યો છે ગુજરાત હાઈકોર્ટે એડીસી બેંકના ચેરમેન – અજય પટેલને મેટ્રો કોર્ટ સમક્ષ કાર્યવાહીમાં હાજર ન રહેવા માટેની અરજી કરવાની મંજૂરી આપી છે. હાઇકોર્ટે મેટ્રોપોલિટન કોર્ટને અરજદાર – અજય પટેલની એક્ઝેમશન અરજીને ધ્યાને લેવાનો આદેશ કર્યો છે.ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે નોટિસ પણ પાઠવી છે

એડીસી બેંકના ચેરમેન અજય પટેલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજીમાં માંગ કરી હતી કે મેટ્રો કોર્ટના 3 ફેબ્રુઆરીના આદેશને રદ કરવામાં આવે. 3 ફેબ્રુઆરીએ મેટ્રો કોર્ટે એડીસી બેન્કના ચેરમેન અજય પટેલની અરજી કોર્ટ સમક્ષ હાજરીથી મુક્તિ આપવાની અરજી ફગાવી દીધી હતી. અજય પટેલે મેટ્રો કોર્ટના આ આદેશને રદ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. અજય પટેલ દ્વારા દાખલ કરાયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી 10મી માર્ચના રોજ હાથ ધરવામાં આવશે

અરજદાર અજય પટેલના એડવોકેટ તરફથી ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે અરજદાર કોવિડ-19થી પીડાઈ ચુક્યા છે અને ડોકટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે અને તેના માટે તેઓ મેટ્રો કોર્ટમાં કેસની કાર્યવાહીની આગામી મુદત 11મી ફેબ્રુઆરીના રોજ હાજર રહી શકશે નહિ.

અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કૉ-ઑપરેટિવ બેંક દ્વારા તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ બદનક્ષી કેસમાં આરોપ મુક્ત કરવાની અરજી દાખલ કરી હતી. રાહુલ ગાંધીએ આ આગ્રહ ફરિયાદકર્તા અજય પટેલના સતત ગેરહાજર રહેવાના આધાર પર કર્યો હતો

  અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા 2016માં થયેલી નોટબંધીના શરૂઆતના 5 દિવસોમાં ADC બેંક દ્વારા 750 કરોડ રૂપિયાની જૂની નોટો બદલીને કૌભાંડ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેના પર ADC બેંકના ચેરમેન અજય પટેલે રાહુલ ગાંધી  વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો.

(12:02 am IST)