Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

વડોદરામાં દર્દીના મિત્રએ તબીબને બે -ત્રણ લાફા ઝીકી દેતા ખળભળાટ : કાલે હડતાલનું એલાન

શહેરની તમામ ઓ પી ડી તબીબો બંધ રાખશે: પોલીસ અને સરકાર પાસે તબીબોની સુરક્ષા માટે માંગ કરશે

વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી કિડની કેર હોસ્પિટલના તબીબ પ્રતીક શાહ પર દર્દીના મિત્રએ હોસ્પિટલમાં પહોંચી હુમલો કરતા હડકંપ મચી જવા પામ્યો છે. તબીબ પ્રતીક શાહના હોસ્પિટલમાં 4 માસ પહેલા યશવંત રાઠોડ નામના દર્દીએ પેટમાં દૂરબીનથી મૂત્રાશયનું ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ ઓપરેશન બાદ પણ દર્દીને સારું ના થતાં દર્દીના મિત્ર રાજેન્દ્રસિંહ રાઠોડ અને રતિલાલ સોલંકી હોસ્પિટલમાં તબીબ પ્રતીક શાહ સાથે ઝગડો કરવા પહોંચી ગયા હતા. જ્યાં તબીબની ચેમ્બરમાં ઘૂસી આરોપી રાજેન્દ્રસિંહ રાઠોડે તબીબ પ્રતીક શાહને બે થી ત્રણ લાફા ઝીંકી દીધા હતા.

સાથે જ તબીબને અપશબ્દો બોલી બબાલ કરી જેથી હોસ્પિટલના સ્ટાફ દોડી આવી આરોપીઓને પકડી લીધા હતા. બાદમાં તબીબે વારસિયા પોલીસ સ્ટેશનમાં આરોપી રાજેન્દ્રસિંહ રાઠોડ અને રતિલાલ સોલંકી સામે ફરિયાદ નોધાવી છે

પોલીસે પણ આરોપીઓની ધરપકડ કરી લીધી અને આરોપીઓને જામીન પર પણ છોડી દીધા હતા. તો બીજીતરફ ઈન્ડીયન મેડીકલ એસોસિએશન એ વડોદરામાં 11 ફેબ્રુઆરીએ એક દિવસ હડતાળનું એલાન કર્યું છે. જેમાં શહેરની તમામ ઓ પી ડી તબીબો બંધ રાખશે અને પોલીસ સરકાર પાસે તબીબોની સુરક્ષા માટે માંગ કરશે

(12:23 am IST)