Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સુરતમાં પાલિકાની ટીમની સાત દિવસ દુકાનો બંધ રાખવા તાકીદ

કોરોનાને રોકવાના સરકાર સીધા પગલાં ભરી શકતી નથી : લોકડાઉનના પ્રયાસ વચ્ચે વેપારીઓ અને તંત્ર વચ્ચે ઘર્ષણ

સુરત, તા. ૯ : સુરતમાં કોરોના સંક્રમણને રોકવા માટે મ્યુનિ. તંત્ર કે સરકાર સીધા પગલાં ભરી શકતી ન હોવાથી અઘોષિત લોક ડાઉનનો પ્રયાસ થઈરહ્યો છે. મ્યુનિ.એ લોક ડાઉન કે દુકાનો બંધ કરવા માટે કોઈ સત્તાવાર જાહેરનામું બહાર પાડયું નથી. પરંતુ બીજી તરફ પાલિકાની ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી રહી છે અને બેથી સાત દિવસ સુધી દુકાનો બંધ રાખવા માટેની તાકીદ કરી રહી છે. પાલિકાએ કોઈ સત્તાવાર જાહેરાત કરી ન હોવાથી ટીમ દ્વારા આ પ્રકારની કામગીરી કરતાં વેપારીઓમાં ભારે રોષ છે અને પાલિકા તથા દુકાનદારો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું છે.

સુરત મ્યુનિ.ના અઠવા ઝોનમાં વધુ સંક્રમણ હોવાથી અઠવા ઝોનના તમામ મોલ બંધ કરાવી દીધા છે. ત્યાર બાદ આજે ઘોડદોડ રોડના શોપીંગ કોમ્પ્લેક્ષ બંધ કરાવવાની કામગીરી શરૂ કરી છે. શોપીંગ કોમ્પ્લેક્ષના ગેટ પર બામ્બુના બેરીકેટ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે રોષે ભરાયેલા વેપારીઓએ ભેગા થઈને પાલિકાની કામગીરી સામે આક્રમક વિરોધ દર્શાવ્યો હતો.

સુરત પાલિકાએ સંક્રમણ અટકાવા માટે કોઈ લોક ડાઉન કે વેપારીઓને દુકાન, રેસ્ટોરન્ટ બંધ કરવા માટે લેખિતમાં કોઈ સુચના આપી નથી. પરંતુ સુરત મ્યુનિ.ના કર્મચારીઓની ટીમ શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરી રહી છે અને જુદા જુદા પ્રકારની સુચના આપી રહી છે.

રાંદેર વિસ્તારમાં આવતીકાલથી સાત દિવસ માટે દુકાનો- રેકડી કે ખાણી પીણીની દુકાનો બંધ કરવા માટેની સુચના આપવામાં આવી રહી છે. આવી જ રીતે અઠવા ઝોનમાં પણ મ્યુનિ. તંત્રના કર્મચારીઓ દુકાન બંધ કરવા માટેની સુચના આપી રહી છે. કેટલીક જગ્યાએ શનિ-રવિ સેલ્ફ લોક ડાઉની સુચના આપી રહી છે. સુરતમાં ખાણી પીણીની દુકાન કે અન્ય ચાલુ હોય અને તેનાથી સંક્રમણ થતું હોય તો મ્યુનિ. તંત્ર તેને સત્તાવાર રીતે બંધ કરાવી શકે છે. પરંતુ પાલિકાએ કોઈ સત્તાવાર જાહેરાત કરવાના બદલે વેપારીઓને ડરાવીને બંધ કરાવવાની સુચના આપવામાં આવે છે તેની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા તંત્ર સત્તાવાર જાહેરાત કરે તો લોકો બંધ કરવા માટે તૈયાર છે પરંતુ કર્મચારીઓ જુદા જુદા દિવસો દુકાન અને સંસ્થા બંધ રાખવા માટેની સુચના આપી રહ્યાં છે તેના કારણે ગુંચવાળો ઉભો થઈ રહ્યો છે.

પાલિકા સત્તાવાર રીતે દુકાનો બંધ કરાવવાની જાહેરાત કરતી નથી અને દબાણ કરીને દુકાનો બંધ કરાવી રહી છે તેના કારણે દુકાનદારો અને પાલિકા કર્મચારીઓ વચ્ચે અનેક જગ્યાએ ઘર્ષણ થઈ રહ્યું છે.

(9:24 pm IST)